કેમ લોઢું થાય છે

સૂર્યને ઘર આવતાં ક્યારેક મોડું થાય છે,
સાંજની ઈચ્છા થકી ક્યાં આભ કાળું થાય છે.

લાખ અરમાનો લઈને રાત ઊભી હો છતાં,
ચાંદની આંગણ ભરે ત્યારે જ વાળું થાય છે.

એક જગ્યા પર ઊભું રહી વૃક્ષ કંટાળે છતાં,
ક્યાંક જઈ આવે ટહેલવા, એમ થોડું થાય છે.

સત્યના સઘળા પ્રયોગો ભોંયમાં દાટ્યા પછી,
દીન મા થી એક રડતું બાળ છાનું થાય છે.

હોય છે પારસમણિ ‘ચાતક’ ઘણાના ભાગ્યમાં,
આપણું સોનું ખબર નહીં કેમ લોઢું થાય છે !

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (8)
Reply

Waaahhhh. …….

એક જગ્યા પર ઊભું રહી વૃક્ષ કંટાળે છતાં,
ક્યાંક જઈ આવે ટહેલવા, એમ થોડું થાય છે.

અચ્છી ગઝલ હુઈ હૈ દક્ષેશભાઈ

Reply

લાખ અરમાનો લઈને રાત ઊભી હો છતાં,
ચાંદની આંગણ ભરે ત્યારે જ વાળું થાય છે.

તમારી સરળ ભાષા માં ઉપરની પંક્તિ વિસ્તારથી સમજાવવા નમ્ર વિનંતી.
તમારી કવિતાઓ મનને પરમ શાંતી આપે છે. તમે ખરેખર ભાગ્યશાળી છો અને તેઓને વંદન છે.. જેમને આવા વિચારો તમારા માં રોપ્યા છે.

વિનુ સચાણીયા.. ગજજર.

વિનુભાઈ,
વાળુ નો પ્રચલિત અર્થ સાંજ પછીનું ભોજન અથવા રાત્રિભોજન એવો થાય છે. એનો એક અન્ય અર્થ ભરપૂર અથવા ભરેલું પણ થાય છે. તમે કોઈપણ અર્થ લઈ શકો. માત્ર રાતના હોવાથકી કંઈ થતું નથી. ચાંદ નીકળે પછી જ રાતની શોભા નીખરે છે. અથવા તો ચંદ્રના પ્રકાશમાં જ રાતનું ભોજન લઈ શકાય છે. (જૂના સમયમાં જ્યારે વીજળી નહોતી).
ત્રીજો અર્થ, શૃંગારિક છે. રાત્રે બે પ્રણયઘેલા હૈયા ત્યારે જ યથાર્થ રીતે મળે છે જ્યારે નારીનું હૈયું અરમાન ભરેલું હોય અને પુરુષ જે રીતે ચાંદની આંગણું ભરી દે એ રીતે એને છલકાવી દેવાના મૂડમાં હોય …

Reply

વાહ બહુજ સરસ.

ચાંદની આંગણ ભરે ત્યારે જ વાળું થાય છે…..
સુંદર વિચારો ! સુંદર અભિવ્યક્તિ !
ખૂબ જ સુંદર ગઝલ થઈ છે, દક્ષેશભાઈ !

અભિનંઅદન !

Reply

ચાંદની આંગણ ભરે ત્યારે જ વાળું થાય છે…..
સુંદર …ખૂબ જ સુંદર વાહ

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.