Press "Enter" to skip to content

સાંજ અને સૂરજ

સાંજ સજી લે સાજ પછી સૂરજની આંખે અંધારા,
ઈચ્છાઓના ગામ જવાને મારગ મળતા અણધારા,
શમણાંઓની ભીડ મહીં ચૂપચાપ સરકતો જાય સમય,
પાંપણ કોને આપે જઈ સૂરજ ઊગવાના ભણકારા ?
*
અધૂરા સ્વપ્ન જોવામાં અમારી આંખ બીઝી છે,
નહિતર જાગવું વ્હેલી સવારે સાવ ઈઝી છે.
સૂરજને શોધવાના યત્નમાં મુજ સાંજ વીતી ગઈ,
તમોને શી ખબર કે કેવી રીતે રાત રીઝી છે.
*
સૂરજના સળગી ઉઠવામાં કોનો કોનો હાથ હશે ?
એ જ વિચારે સંધ્યાનું ઘર કાયમ કાજ ઉદાસ હશે ?
આભ, ક્ષિતિજ કે તારલિયાનો વાંકગુનો દેખાતો ના,
રૂપ ચાંદનીનું નક્કી સૂરજને માટે ખાસ હશે.
*
વાદળ થઈને નહીં વરસેલા શમણાંઓ ક્યાં ભાગે છે ?
આંસુઓના નામે ભીની રાતો અહીંયા જાગે છે.
રોજ સાંજના સૂરજ કરતો ના ઊગવાનો બંદોબસ્ત,
તોય ક્ષિતિજ પર કોણ સવારે આવી આંખો આંજે છે ?
*
સાંજ પડે ત્યાં ફુટે છે આ પડછાયાને વાચા,
કોઈ મને સમજાવો એની શબ્દ વિનાની ભાષા.
સૂરજના ડૂબવાથી સઘળી આશા થોડી ડૂબે ?
કેમ રખડવા નીકળે છે આ સૌના ઘરે હતાશા.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments

  1. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' March 25, 2013

    મજાનો મુક્તક સંપુટ…!!

    વાદળ થઈને નહીં વરસેલા શમણાંઓ ક્યાં ભાગે છે ?
    આંસુઓના નામે ભીની રાતો અહીંયા જાગે છે.
    રોજ સાંજના સૂરજ કરતો ના ઊગવાનો બંદોબસ્ત,
    તોય ક્ષિતિજ પર કોણ સવારે આવી આંખો આંજે છે ?… વાહ ક્યા બાત હૈ !!
    .

  2. Devika Dhruva
    Devika Dhruva March 25, 2013

    મસ્ત મસ્ત મુક્તકો….અફ્લાતૂન.

  3. Kishore Modi
    Kishore Modi March 26, 2013

    સુંદર મુક્તક સંપુટ…અદ્ભૂત

  4. Pragnaju
    Pragnaju March 26, 2013

    સુંદર મુક્તકોનો ભંડાર

  5. Pravin Shah
    Pravin Shah March 27, 2013

    આંસુઓના નામે ભીની રાતો અહીંયા જાગે છે….
    સુંદર કલ્પનોથી સજ્યા મુક્તકો આસ્વાદ્ય થયા છે.
    અભિવ્યક્તિ પણ સરાહનીય !
    અભિનંદન દક્ષેશભાઈ !

  6. Anil Chavda
    Anil Chavda March 28, 2013

    સરસ મુક્તકો થયા છે દક્ષેશભાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.