સીમા બનાવી છે

કોઈ ઘટના નથી એ વાતને બીના બનાવી છે,
અમે નિજ શ્વાસને સિતાર ને વીણા બનાવી છે.

લીલીછમ ડાળખીથી એક ટહુકાનું ખરી પડવું,
અમે એને હૃદયની કારમી પીડા બનાવી છે.

ધનીના એક આંસુથી જ સર્જાશે મહાભારત,
દુઃખીના સ્મિતને એથી અમે ગીતા બનાવી છે.

હરણ કરવાની કોશિશમાં સતત ભટક્યા કરે છે મન,
પ્રભુજી, શું વિચારીને તમે સીતા બનાવી છે ?

પ્રતીક્ષાને પૂરી કરવા પધારે આંગણે શ્રીરામ,
અહલ્યા એજ કારણથી અમે શિલા બનાવી છે.

સમય લાક્ષાગૃહોની જેમ સઘળું ફુંકશે પળમાં,
અમે શાશ્વત જીવનને પામવા ચિતા બનાવી છે.

અધૂરા લક્ષ્ય ‘ચાતક’ જિંદગીને અર્થ આપે છે,
શબદ ઓળંગવા માટે અમે સીમા બનાવી છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (12)
Reply

હરણ કરવાની કોશિશમાં સતત ભટક્યા કરે છે મન,
પ્રભુજી, શું વિચારીને તમે સીતા બનાવી છે ?…Waaaah

Reply

સમય લાક્ષાગ્રુહોને ફુંકશે પળમાં……….ચિતા બનાવી છે
શું વાત છે !
વધુ એક ચઢીયાતી રચના!!!

Reply

હરણ કરવાની કોશિશમાં સતત ભટક્યા કરે છે મન,
પ્રભુજી, શું વિચારીને તમે સીતા બનાવી છે ?
ખૂબ સરસ … શે’ર ખૂબ ગમ્યો. મિથનો શે’રોમાં અભિવ્યક્તિસભર સરસ ઉપયોગ… નખશિખ સુંદર ગઝલ.
મારા અંતરના તમને અભિનંદન છે.

હરણ કરવાની કોશિશમાં સતત ભટક્યા કરે છે મન,
પ્રભુજી, શું વિચારીને તમે સીતા બનાવી છે ?

વાહ વાહ ભાઇ… સરસ વિચારો…. અને મઝાની ગઝલ બની છે… બધાજ શેર અર્થપૂર્ણ છે…. અભિનંદન

અમે નિજ શ્વાસને સિતાર ને વીણા બનાવી છે.
બહુ સરસ…

બનાવી છે- રદીફ સાથે સુંદર ભાવવિશ્વ લઈ આવ્યા છો.
શ્વાસને સિતાર અને વીણા બનાવવાની વાત બહુ ગમી.
બધા જ શેર સુંદર !
અભિનંદન દક્ષેશભાઈ !

બહુજ સુન્દર મજાના શેર ને આપની રચના ….હંમેશની જેમ ખુબ ગમી…

Reply

good rhyming scheme and also nice use of combinations of different references.

Reply

વાહ દરેક સુંદર શે’ર સાથે મજાની ગઝલ..!! શે’રોમાઁ નિયોજાયેલાં પૌરાણિક સંદર્ભો પણ ઉચિત અને રસપ્રદ રહ્યાં…!!

સરસ ગઝલ

કેટલીક પંક્તિઓ ખાસ ધ્યાન ખેઁચે છે.

કોઈ ઘટના નથી એ વાતને બીના બનાવી છે,
અમે નિજ શ્વાસને સિતાર ને વીણા બનાવી છે.

સમય લાક્ષાગૃહોની જેમ સઘળું ફુંકશે પળમાં,

અધૂરા લક્ષ્ય ‘ચાતક’ જિંદગીને અર્થ આપે છે,

Reply

સુંદર ગઝલનો મત્લા ખૂબ ગમ્યો! અભિનંદન!!
સુધીર પટેલ.

Reply

અરે વાહ કેટલી સરસ રચના. મને તો ગઝલ મા બહુ સમજ ના પડે છતા આ સાઇટ પર આજે પહેલી વાર આવી અને તમારી એક-બે ગઝલ વાંચી અને પછી તો આગળ ને આગળ વાંચતી જ ગઈ. બહુ જ સરસ લખો છો તમે. GREAT!!

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.