Press "Enter" to skip to content

શું કામ ?

આ સન્નાટાના ઘરમાંહી શું કામ ઉદાસી ભટકે છે ?
શું કામ સમયના કાંટાઓ વીતેલી વાતો પટકે છે ?

આ રણની માફક ફેલાતી ઘનઘોર ઉપેક્ષાનું કારણ ?
જેનાં મૂળિયાંઓ વ્હાલ હતા એ વૃક્ષ હવામાં લટકે છે.

એ સ્નાન કરીને ઘરમાંથી દરરોજ અગાશીમાં આવે,
કાળા ભમ્મરિયાં કેશ નહીં, એ દિલના તારો ઝટકે છે.

એની આંખોમાં આંસુ જોઈ કો’ક ધરે એને રૂમાલ,
ના કોઈ સબંધ એની સાથે, પણ દિલમાં તોયે ખટકે છે.

ના એ પંખીની આંખ હતી, ના હુંય ધનુર્ધારી અર્જુન,
તો વાતવાતમાં શાને કાજે મન આ મારું છટકે છે ?

બે-ચાર ક્ષણોની મોજ અકારણ વરસોનો વનવાસ થશે,
બસ એ જ વિચારે સંબંધો દિનરાત હજુયે ચટકે છે.

તું કેમ નિરાશાનો પાલવ પકડીને બેઠો છે ‘ચાતક’,
જો દૂર ક્ષિતિજે, ઝરમરીયો વરસાદ હજી ક્યાં અટકે છે !

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

  1. Amit Patel
    Amit Patel March 8, 2012

    વાહ!

    તું કેમ નિરાશાનો પાલવ પકડીને બેઠો છે ‘ચાતક’,
    જો દૂર ક્ષિતિજે, ઝરમરીયો વરસાદ હજી ક્યાં અટકે છે !

  2. Himanshu Patel
    Himanshu Patel March 9, 2012

    એ સ્નાન કરીને ઘરમાંથી દરરોજ અગાશીમાં આવે,
    કાળા ભમ્મરિયાં કેશ નહીં, એ દિલના તારો ઝટકે છે…..અને ત્યાથી અહીં સુધી
    બે-ચાર ક્ષણોની મોજ અકારણ વરસોનો વનવાસ થશે,
    બસ એ જ વિચારે સંબંધો દિનરાત હજુયે ચટકે છે.
    ગમી વાંચવાની અને માણવાની.

  3. Pancham Shukla
    Pancham Shukla March 9, 2012

    સરસ ગઝલ છે.
    હઝલ માટે ઉત્તમ એવા આ કાફિયાઓ ગઝલની કસોટી કરી લે એવા છે. જેને તમે બરાબર જાળવી લીધા છે.

  4. P. Shah
    P. Shah March 9, 2012

    તું કેમ નિરાશાનો પાલવ પકડીને બેઠો છે ‘ચાતક’…..

    સુંદર ગઝલ થઈ છે.

  5. Sudhir Patel
    Sudhir Patel March 10, 2012

    સુંદર ગઝલના બધાં જ શે’ર દમદાર છે!
    સુધીર પટેલ.

  6. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' March 15, 2012

    આ રણની માફક ફેલાતી ઘનઘોર ઉપેક્ષાનું કારણ ?
    જેનાં મૂળિયાંઓ વ્હાલ હતા એ વૃક્ષ હવામાં લટકે છે.

    સુંદર ગઝલ….!!

  7. Deepak Vadgama
    Deepak Vadgama March 28, 2012

    એ સ્નાન કરીને ઘરમાંથી દરરોજ અગાશીમાં આવે,
    કાળા ભમ્મરિયાં કેશ નહીં, એ દિલના તારો ઝટકે છે.

    ખૂબ સરસ

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.