જીહજૂરી હોય છે

03.JPG

કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે.

દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે.

એક છત નીચે રહે બે માનવી,
જોજનોની તોય દૂરી હોય છે.

એ પથારીમાં પછી પડખાં ઘસે,
યાદને જેણે વલૂરી હોય છે.

રણ થવાનું એટલું સહેલું નથી,
લાગણી ઊંડે ઢબૂરી હોય છે.

શક્ય છે, શ્રધ્ધા કદીયે ડગમગે,
સાથ દેવાને સબૂરી હોય છે.

જે બને રોનક હજારો આંખની,
દોસ્ત, એનું નામ નૂરી હોય છે.

આ ગઝલ, ‘ચાતક’ લખાયે શી રીતે ?
શબ્દ સાથે જીહજૂરી હોય છે.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Responses to “જીહજૂરી હોય છે”

  1. Pancham Shukla Says:

    રણ થવાનું એટલું સહેલું નથી,
    લાગણી ઊંડે ઢબૂરી હોય છે.

    આ ગઝલ, ‘ચાતક’ લખાયે શી રીતે ?
    શબ્દ સાથે જીહજૂરી હોય છે.

    સરસ ગઝલ.

  2. Sapana Says:

    એ પથારીમાં પછી પડખાં ઘસે,
    યાદને જેણે વલૂરી હોય છે. સરસ ગઝલ દક્ષેશભાઈ..

  3. Himanshu Patel Says:

    શબ્દ સાથે કે પોતાની સાથે જીહજૂરી અધુરી અને મધુરી એક જ સમયે હોય છે તેથી એક છત તળે એક જ માનવીમાં -જોજનોની (તોય)દૂરી હોય છે.

  4. P Shah Says:

    જિંદગી તોયે મધૂરી હોય છે…
    સરસ વાત કહી દક્ષેશભાઈ. બધા જ શેર સરસ અને આસ્વાદ્ય થયા છે.
    શબ્દ સાથેની જીહજૂરી કવિઓને તો ભારે જ પડે !
    અભિનંદન !

  5. Kishore Modi Says:

    સરસ ગઝલ.

  6. અશોક જાની 'આનંદ' Says:

    એ પથારીમાં પછી પડખાં ઘસે,
    યાદને જેણે વલૂરી હોય છે.

    રણ થવાનું એટલું સહેલું નથી,
    લાગણી ઊંડે ઢબૂરી હોય છે.

    વાહ….ઉપરોક્ત ઉલ્લેખનીય શે’ર સાથેની પુરી ગઝલ આસ્વાદ્ય

  7. Narendra Jagtap Says:

    દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
    જીભ પણ ક્યારેક તૂરી હોય છે.

    એક છત નીચે રહે બે માનવી,
    જોજનોની તોય દૂરી હોય છે.

    એ પથારીમાં પછી પડખાં ઘસે,
    યાદને જેણે વલૂરી હોય છે………ખુબ જ સરસ મઝાના શેર …વાહ વાહ અભિનંદન

  8. ચંદ્રકાંત પટેલ Says:

    ખુબ જ ગમી ગઝલ અને સૌથી વધુ આ શેર ગમ્યો …

    એક છત નીચે રહે બે માનવી,
    જોજનોની તોય દૂરી હોય છે.

  9. ડૉ.મહેશ રાવલ Says:

    સરસ વાત વણી છે દક્ષેશભાઇ,
    ગઝલ નખશિખ આસ્વાદ્ય રહી-અભિનંદન.

  10. Sobhag Shah Says:

    વાહ્, કયા બાત હૈ!

Leave a Reply