પ્રેમખજાનો મળવાનો

સાંજ પડે સૂરજ સંધ્યાને છાનોમાનો મળવાનો,
રાત પડે દીવા ઓથે કોઈ પરવાનો મળવાનો.

હૈયાના સુખચેન જાય ને નીંદ થાય કુરબાન પછી,
જીવન માલામાલ કરે એ લ્હાવ મજાનો મળવાનો.

‘હુંય ગમું’ ને ‘તુંય ગમે’, પણ વાત વધી આગળ ના જાય,
એમ બને તો બન્ને વચ્ચે એક જમાનો મળવાનો.

સાગરના હૈયે જલનારો વડવાનલ પોકારે એમ,
હોય કિનારા છલકંતા પણ બેટ વિરાનો મળવાનો.

ધૂપસળી-શો પ્રેમ હશે તો મ્હેંક પ્રસરશે આપોઆપ,
થાવ કમળ તો ભ્રમર સમો કોઈ દિવાનો મળવાનો.

અવરોધોને પાર કરી જે પ્હોંચી ગ્યા મંઝિલની પાર,
‘ચાતક’ એ નરબંકાઓને પ્રેમ-ખજાનો મળવાનો.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (11)
Reply

સુંદર રચના..ખૂબ ખૂબ આભાર..બસ આમ જ ગઝલો પીરસતા રહેજો..પ્રભુ તમારી કલમને ખૂબ ખૂબ તાકાત આપે એવી પ્રાર્થના..

અવરોધોને પાર કરી જે પ્હોંચી ગ્યા મંઝિલની પાર,
‘ચાતક’ એ નરબંકાઓને પ્રેમ-ખજાનો મળવાનો………અથવા

ધૂપસળી-શો પ્રેમ હશે તો મ્હેંક પ્રસરશે આપોઆપ,…વાંચવાની તક ન ચુકાય તેટલો આનંદ મળે છે આવી ગઝલોમાં.

તમારી ભાષાએ અમારા મન મોહી લીધા છે ભાઇ !
અનેકાનેક શુભેચ્છાઓ…તમને અને તમારી કલમને !

સુંદર ગઝલ
ધૂપસળી-શો પ્રેમ હશે તો મ્હેંક પ્રસરશે આપોઆપ,
થાવ કમળ તો ભ્રમર સમો કોઈ દિવાનો મળવાનો.

અવરોધોને પાર કરી જે પ્હોંચી ગ્યા મંઝિલની પાર,
‘ચાતક’ એ નરબંકાઓને પ્રેમ-ખજાનો મળવાનો.
મઝાના શેર

Reply

પ્રણયની અનુભૂતિ કરાવતી સુંદર ગઝલ

સરસ પ્રવાહી લયમાં વહી જતી ગઝલ.

Reply

પરમ્પરાગત કાફિયાની સરસ ગઝલ. મત્લાના ઉલા મિસરામા અન્ત્યાક્ષર ‘નો’ વાળો
કાફિયા હોવો ઘટે. જોઇ જશો. આ સરસ-

હૈયાના સુખચેન જાય ને નીંદ થાય કુરબાન પછી,
જીવન માલામાલ કરે એ લ્હાવ મજાનો મળવાનો.

જીવન માલામાલ કરે એ લ્હાવ મજાનો મળવાનો.

સુંદર મજાની લયબદ્ધ ગઝલ !
અભિનંદન !

સુંદર અભિવ્યક્તિ, દક્ષેશભાઇ
-અભિનંદન.
શ્રી કીર્તિકાન્તજીની વાત સાથે હું પણ સંમત.
મને ખબર છે,તમારા માટે એ અઘરૂં નથી.

Reply

સુંદર ગઝલ…પણ મત્લા ક્યાં ???
આ ખૂબ મજાનુ રહ્યું…
હૈયાના સુખચેન જાય ને નીંદ થાય કુરબાન પછી,
જીવન માલામાલ કરે એ લ્હાવ મજાનો મળવાનો.
અવરોધોને પાર કરી જે પ્હોંચી ગ્યા મંઝિલની પાર,
‘ચાતક’ એ નરબંકાઓને પ્રેમ-ખજાનો મળવાનો.

કીર્તિકાન્તભાઈ, મહેશભાઈ, અશોકભાઈ,
તમારા સૂચન મુજબ મત્લામાં સુધારો કરેલ છે. આશા છે એ આપને પસંદ આવે.

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.