Press "Enter" to skip to content

ટોળે વળે ના

સૌ મિત્રોને દશેરા મુબારક હો …

નિરાધાર આંસુ નયનમાં મળે ના,
તિરાડો અમસ્તી હૃદયમાં પડે ના.

હશે કોઈ કારણ મજાનું નહીંતર
ઉદાસી સરેઆમ ટોળે વળે ના.

ગયો હાથમાંથી સરી તીર માફક,
સમય કોઈ કાળેય પાછો ફરે ના.

અરે, કોઈ રોકો હઠીલા સ્મરણને,
જુઓ દર્દ પાછું ફરી સળવળે ના.

હૃદય સાંભરે છે હજુ એજ પગરવ,
નયન આગમનને ભલે સાંભળે ના.

જુઓ સ્વપ્ન ‘ચાતક’ હવે બંધ આંખે
રખે કોઈ આવીને એને છળે ના.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

15 Comments

  1. Ami
    Ami October 6, 2011

    વાહ…ખૂબ ખૂબ સરસ રચના.

  2. Devika Dhruva
    Devika Dhruva October 6, 2011

    આખી ગઝલ સહજ, સુંદર અને સરળ. મક્તા તો એકદમ મસ્ત. ખાલી ઉદાસીને નોંતરતુ કારણ “મજાનુ” હોઇ શકે ? કોઇ બીજો વધુ ઉચિત શબ્દ હોત તો ભાવ ઓર ખીલી ઉઠત.

  3. Kirtikant Purohit
    Kirtikant Purohit October 6, 2011

    દશેરા આપને પણ મુબારક. સરસ સન્વેદનશીલ ગઝલ.

  4. Manvant Patel
    Manvant Patel October 6, 2011

    સમય અને વહેણ કદી શમતાં નથી.
    સરેઆમ ઉદાસી બદલ આશ્વાસન !

  5. Himanshu Patel
    Himanshu Patel October 6, 2011

    તમારા શબ્દમાં અનુભૂતિ અને તેની અભિવ્યક્તિ તસતસ(ઘનિભૂત) તરે છે અને વાંચનારના સંવેદનને તૃપ્ત કરે છે.
    હૃદય સાંભરે છે હજુ એજ પગરવ,
    નયન આગમનને ભલે સાંભરે ના.

  6. Kishore Modi
    Kishore Modi October 6, 2011

    મનને ગમે તેવી ગઝલ.

  7. Pragnaju
    Pragnaju October 6, 2011

    સરસ ગઝલ.
    અરે, કોઈ રોકો હઠીલા સ્મરણને,
    જુઓ દર્દ પાછું ફરી સળવળે ના.

    હૃદય સાંભરે છે હજુ એજ પગરવ,
    નયન આગમનને ભલે સાંભરે ના.
    વાહ્
    જો એ વ્યક્તિ જ હાજર હોય તો એનોય છે આનંદ,
    નહીંતર આમ ક્યાં ઓછો છે એની યાદનો મહિમા?

  8. Pancham Shukla
    Pancham Shukla October 7, 2011

    તમારી આખરી કેટલીક ગઝલોમાં યોગ્ય શબ્દોના યોગ્ય ઉપયોગથી સંવેદન ઘૂંટાઈને અવતરે છે. છંદનો કુશળતા ભર્યો ઉપયોગ વાચનને પણ વહેતું રાખે છે. સરસ ગઝલ. બધા જ શેર ગમી જાય એવા છે.

  9. Daxesh Contractor
    Daxesh Contractor October 7, 2011

    દેવિકાબેન,
    આપના પ્રતિભાવ બદલ આભાર.
    બીજા શેરમાં ‘મજાનું’ શબ્દનો ઉપયોગ વ્યંગરૂપે /વક્રોક્તિ તરીકે કરેલો છે. એટલે જ એ શેર મારી નજરે વધુ ઉઠાવ પામે એવો થયો છે.

  10. સુનીલ શાહ
    સુનીલ શાહ October 7, 2011

    હશે કોઈ કારણ મજાનું નહીંતર
    ઉદાસી સરેઆમ ટોળે વળે ના
    વાહ..!
    સરસ ગઝલ.

  11. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' October 7, 2011

    મજાના કારણથી પણ ટોળૅ વળતી ઉદાસીની નવી વિભાવના…સુંદર ગઝલ.

    આ ગમ્યું.. અરે, કોઈ રોકો હઠીલા સ્મરણને,
    જુઓ દર્દ પાછું ફરી સળવળે ના.

    પાંચમાં શે’રમાં ‘સાંભરે’ની જગ્યાએ ‘સાંભળે’ ન હોવું જોઇએ…???

  12. Manhar Mody
    Manhar Mody October 7, 2011

    ગયો હાથમાંથી સરી તીર માફક,
    સમય કોઈ કાળેય પાછો ફરે ના.

    અરે, કોઈ રોકો હઠીલા સ્મરણને,
    જુઓ દર્દ પાછું ફરી સળવળે ના.

    સરસ ભાવ અભિવ્યક્તિ.

    હૃદય સાંભરે છે હજુ એજ પગરવ,
    નયન આગમનને ભલે સાંભરે ના.
    ‘સાંભરે’ ની જગ્યાએ ‘સાંભળે’ હોવું જોઇએ એવું લાગે છે.

  13. Daxesh Contractor
    Daxesh Contractor October 7, 2011

    @ અશોકભાઈ, મનહરભાઈ,
    તમારી વાત સાચી છે. પાંચમાં શેરમાં ‘સાંભરે’ નહીં પણ ‘સાંભળે’ હોવું જોઈએ. સુધારો કરી લીધો છે. ધ્યાન પર લાવવા બદલ ખુબ ખુબ આભાર.

  14. P Shah
    P Shah October 8, 2011

    ઉદાસી સરેઆમ ટોળે વળે ના…

    ઉદાસી ટોળે વળવાનું સુંદર કારણ આપ્યું.

    સરળ બાની કહેવાયેલ સુંદર વાતો !

    અભિનંદન !

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.