Press "Enter" to skip to content

આંસુ કદી દેખાય ક્યાં ?

ભીંતમાં દરિયો ફુટે તો રેતના ઘર જાય ક્યાં ?
લાગણી છતથી ચૂએ તો એ તડો સંધાય ક્યાં ?

ફુલને પાંખો મળે તો જાય એ ભમરા કને,
કંટકોની દોસ્તી પળવાર પણ છોડાય ક્યાં ?

ચોતરફ વંટોળ વચ્ચે દીપ શ્રદ્ધાનો જલે,
તેલ એમાં હરઘડી વિશ્વાસનું પૂરાય ક્યાં ?

ભૂલવાના કૈં પ્રસંગો કેમ ભૂલાતા નથી,
ભૂલ સમજાવા છતાંયે આદમી પસ્તાય ક્યાં ?

એક અણધાર્યા મિલનની શક્યતા જીવે હજુ,
શક્યતા સઘળી હકીકતમાં કદી પલટાય ક્યાં ?

બારણાં અવસર બની ‘ચાતક’ પ્રતીક્ષામાં ઊભાં,
તોરણોની આંખમાં આંસુ કદી દેખાય ક્યાં ?

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

17 Comments

  1. Manvant Patel
    Manvant Patel July 20, 2011

    ચાતકને તોરણોની આંખમાં આંસુ ના જ દેખાય !
    પોતાની જ આંખમાંથી શોધવાનાં રહે ! આભાર !

  2. Narendra Jagtap
    Narendra Jagtap July 20, 2011

    ભૂલવાના કૈં પ્રસંગો કેમ ભૂલાતા નથી,
    ભૂલ સમજાવા છતાંયે આદમી પસ્તાય ક્યાં ?

    સરસ ગઝલ …ભાવ પુર્ણ…

  3. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' July 20, 2011

    વાહ કવિ..!! ખૂબ સુન્દર ગઝલ થઇ છે, બધાં જ શે’ર અર્થપૂર્ણ અને માણવાલાયક થયાં છે. કયા શે’ર ને ઉત્તમ કહેવો તેની અવઢવ છે….

  4. Chirag
    Chirag July 21, 2011

    શરુઆતનો શેર તો શિરમોર સમો છે.

    ભીંતમાં દરિયો ફુટે તો રેતના ઘર જાય ક્યાં ?
    લાગણી છતથી ચૂએ તો એ તડો સંધાય ક્યાં ?

    જબરદસ્ત કલ્પના…

  5. Chetu
    Chetu July 21, 2011

    એક અણધાર્યા મિલનની શક્યતા જીવે હજી,
    શક્યતા સઘળી હકીકતમાં કદી પલટાય ક્યાં… વાહ્…!!

  6. P Shah
    P Shah July 21, 2011

    તોરણોની આંખમાં આંસુ કદી દેખાય ક્યાં ?

    નવા કલ્પનોસભર સુંદર રચના !

  7. Himanshu Patel
    Himanshu Patel July 21, 2011

    ભીંતમાં દરિયો ફુટે તો રેતના ઘર જાય ક્યાં ?
    લાગણી છતથી ચૂએ તો એ તડો સંધાય ક્યાં ?
    સરસ શક્તિશાળી ભાષા અને એવી જ ઘનિભૂત ગઝલ…

  8. Ami
    Ami July 22, 2011

    ભૂલવાના કૈં પ્રસંગો કેમ ભૂલાતા નથી,
    ભૂલ સમજાવા છતાંયે આદમી પસ્તાય ક્યાં ?
    એકદમ સાચી વાત છે…ખૂબ સરસ રચના

  9. Kirtikant Purohit
    Kirtikant Purohit July 22, 2011

    વાહ્… સરસ કલ્પનો રમતાં મૂક્યાં છે અને મઝેથી દડદડ કરતાં જાય છે…

  10. Sudhir Patel
    Sudhir Patel July 31, 2011

    ખૂબ સુંદર ગઝલ માણવી ગમી!
    સુધીર પટેલ.

  11. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' August 12, 2011

    સુંદર મત્લા અને એવો જ અસરકારક મક્તા..
    આમ તો આખી ગઝલ સરસ કલ્પના થી સભર થઇ છે..

  12. નિમિશા
    નિમિશા August 16, 2011

    ખુબ જ સરસ ગઝલ.
    મત્લા અને મક્તા વધુ ગમ્યા…

Leave a Reply to Narendra Jagtap Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.