Press "Enter" to skip to content

હારતાં શીખ્યો નથી

તસવીર – હિમાચલ પ્રદેશના પરંપરાગત પોશાકમાં.
(હિડીમ્બા ટેમ્પલ, મનાલી, 2010)

હું હજીયે સ્વપ્નમાંથી જાગતાં શીખ્યો નથી,
વાસ્તવિકતાની ધરા પર ચાલતાં શીખ્યો નથી.

આંખમાં રેલાય એની ચાંદની આઠે પ્રહર,
ચાંદને કેવળ ધરા પર લાવતાં શીખ્યો નથી.

તૂટતાં બહુ દર્દ આપે છે સંબંધો પ્રેમનાં,
ગાંઠ મારીને કદી હું બાંધતા શીખ્યો નથી.

હર્ફ ઉચ્ચાર્યા વિના તું આપ, જો આપી શકે,
પોટલી તાંદુલ લઈને આવતાં શીખ્યો નથી.

ઓ ખુદા, ઓકાત મારી ક્યાંક ઓછી ના પડે,
પગ પ્રમાણે હું પછેડી તાણતાં શીખ્યો નથી.

કોઈ દિ’ ફુરસદ મળે તો આવજે મારા ઘરે,
હુંય ‘ચાતક’ છું, સહજમાં હારતાં શીખ્યો નથી.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

18 Comments

  1. Himanshu Patel
    Himanshu Patel July 11, 2011

    શબ્દ ગર્વ ભર્યો છે અને અભિવ્યક્તિ હોવાનો નાદ રમતો મૂકે છે..
    હર્ફ ઉચ્ચાર્યા વિના તું આપ, જો આપી શકે,
    પોટલી તાંદુલ લઈને આવતાં શીખ્યો નથી
    કે
    કોઈ દિ’ ફુરસદ મળે તો આવજે મારા ઘરે,
    હુંય ‘ચાતક’ છું, સહજમાં હારતાં શીખ્યો નથી.
    ગઝલ લવચીક છે.

  2. Manvant Patel
    Manvant Patel July 11, 2011

    વાહ દક્ષેશભાઇ ! તમે હારતાં નથી શીખ્યા પરન્તુ જીતતાં તો શીખ્યા જ !

  3. P Shah
    P Shah July 11, 2011

    કોઈ દિ’ ફુરસદ મળે તો આવજે મારા ઘરે,
    હુંય ‘ચાતક’ છું, સહજમાં હારતાં શીખ્યો નથી.

    વાહ ! શું મિજાજ છે !

    સુંદર રચના !

  4. સુંદર ગઝલ…
    આ શેર ખૂબ ગમ્યો..
    હર્ફ ઉચ્ચાર્યા વિના તું આપ, જો આપી શકે,
    પોટલી તાંદુલ લઈને આવતાં શીખ્યો નથી.

  5. સરસ ભાવવાહી બની છે ગઝલ દક્ષેશભાઈ…..
    હર્ફ શબ્દ જરા કઠયો મિત્ર!
    શેર સરસ બન્યો છે પણ મારી દ્રષ્ટિએ હરફ શબ્દ હોવો જોઇએ અહીં.
    હર્ફ – ગાલ,પણ
    હરફ – લગા થશે

  6. અશોક જાની 'આનંદ '
    અશોક જાની 'આનંદ ' July 11, 2011

    સુંદર ગઝલ…!!!
    નવ કલ્પનો ગઝલને વધુ સુન્દર બનાવે છે..

    હર્ફ ઉચ્ચાર્યા વિના તું આપ, જો આપી શકે,
    પોટલી તાંદુલ લઈને આવતાં શીખ્યો નથી….વાહ..!!
    આમ તો બધાં જ શે’ર માણવા લાયક

  7. Praful Thar
    Praful Thar July 11, 2011

    ગઝલના બધા જ શબ્દોની રચના ખૂબ જ સુંદર છે.
    પ્રફુલ ઠાર

  8. Daxesh Contractor
    Daxesh Contractor July 11, 2011

    મહેશભાઈ,
    આપના પ્રતિભાવ બદલ આભાર.
    ગઝલનું છંદવિધાન ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા એટલે હરફ ને બદલે હર્ફ યોગ્ય જ છે. વળી અમુક ગુજરાતી બોલીમાં હરફ ને બદલે હર્ફ બોલાય છે. એથી એ રીતે પણ વાંધો ન આવવો જોઈએ. જો કે શુદ્ધ શબ્દ હરફ છે એ સ્વીકારું છું.

  9. Pancham Shukla
    Pancham Shukla July 11, 2011

    સરસ મિજાજસભર ગઝલ. પરંપરાગત પોષાકમાંની છબી પણ મઝાની છે.

  10. Kirtikant Purohit
    Kirtikant Purohit July 11, 2011

    સરસ અભિવ્યક્તિ.

  11. Devika Dhruva
    Devika Dhruva July 13, 2011

    કોઈ દિ’ ફુરસદ મળે તો આવજે મારા ઘરે,
    હુંય ‘ચાતક’ છું, સહજમાં હારતાં શીખ્યો નથી.

    વાહ..ક્યા મિજાજ હૈ ? પસંદ આ ગયા.

  12. Narendra Jagtap
    Narendra Jagtap July 13, 2011

    ઓ ખુદા, ઓકાત મારી ક્યાંક ઓછી ના પડે,
    પગ પ્રમાણે હું પછેડી તાણતાં શીખ્યો નથી……..

    વાહ વાહ દક્ષેશભાઇ…બધા જ શેર સરસ મઝા આવી ગઇ…

  13. Dilip
    Dilip July 14, 2011

    કોઈ દિ’ ફુરસદ મળે તો આવજે મારા ઘરે,
    હુંય ‘ચાતક’ છું, સહજમાં હારતાં શીખ્યો નથી.
    દક્ષેશભાઈ, ખુબ જ અસ્મીતાસભર ગઝ્લમાં અભિવ્યક્તિ છે..અને જે નથી શિખ્યા આપ તે જ શિખવાની તિવ્ર જીજ્ઞાસા દર્શાવે છે. આપ શીખી શકશો..શુભેચ્છા.

  14. Kanchankumari P Parmar
    Kanchankumari P Parmar July 15, 2011

    પ્રણયના પુરમાં તણાતો રહ્યો છું સદા….કિનારો મળે તોયે હજુ હું તરતા થાક્યો નથી…..

Leave a Reply to P Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.