Press "Enter" to skip to content

આ વેગાસ છે !

[audio:/yatri/aa-vegas-chhe.mp3|titles=Aa Vegas Chhe|artist=Yatri]
(તરન્નૂમ – રાજૂ યાત્રી)

રોશનીમાં રોજ ગળતું જામ, આ વેગાસ છે.
રેતની વચ્ચે મદિરાધામ, આ વેગાસ છે.

ભાગ્યનાં પાસાં ફરે જ્યાં રોજનાં રોલેટ*માં,
ખણખણે જ્યાં રોકડું ઈનામ, આ વેગાસ છે.

ચાંદ-સૂરજની અહીં કરવી પડે અદલાબદલ,
સાંજ પડતાં જાગવાનું ગામ, આ વેગાસ છે.

રાતના અંધારમાં ખીલી જવાનીને વરે,
ઝંખના પર ના અહીં લગ્ગામ, આ વેગાસ છે.

નૃત્ય, માદક અપ્સરા ને મદભૂલેલાં માનવી,
રોજ ચૂંથાતા અહીં કૈં ચામ, આ વેગાસ છે.

MGM હોય કે હો Wynn, વેનેશિયન, અહીં,
છે મનોરંજન ફકત પયગામ, આ વેગાસ છે.

શું કહે ‘ચાતક’, તરસ જ્યાં દગ્ધ દાવાનળ બને,
સૂઝતું કોઈ ન બીજું નામ, આ વેગાસ છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

* રોલેટ – Spinning Roulette wheel

ખાસ નોંધ – પહેલી જુલાઈ, 2011 ના રોજ મીતિક્ષા.કોમ ત્રણ વરસ પૂરા કરી ચોથા વર્ષમાં પ્રવેશ કરશે. આપ સૌ સાહિત્યરસિક મિત્રોના સાથ-સહકાર વગર આ શક્ય ન બન્યું હોત. આપ સહુનાં પ્રેરણા અને પ્રોત્સાહન બદલ ખુબ ખુબ આભાર..

10 Comments

  1. Pancham Shukla
    Pancham Shukla July 1, 2011

    મીતિક્ષા.કોમને જન્મદિનની વધાઈ.

    વેગાસના ફ્લેમ્બોયન્સને ચુસ્ત કાફિયા સાથે મુસલસલ ગઝલ સ્વરૂપે ઝીલવાનું દુષ્કર કામ કલાત્મક રીતે થયું છે. માત્ર ગઝલ જ નહિ, એક ડાયસ્પોરિક કાવ્ય પણ મળે છે.

    આ ગઝલકાવ્ય સાથે તમે એક નવા કેડા પર પગલા માંડ્યા છે. આ વિજન કેડે ખંતથી આગળ ધપવાની ભલામણ કર્યા સિવાય કેમ રહી શકું?

  2. P Shah
    P Shah July 1, 2011

    મીતિક્ષા.કોમને જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ !
    Keep it up !

  3. Himanshu Patel
    Himanshu Patel July 1, 2011

    તમારા વિઝ્યુલાઈઝ કરી ઉછેરેલા બાળકને જન્મદિન મુબારક.
    વેગાસની દૈનિકતા અને ઉંડાણમાં લુપ્ત વેદના એના જ સંકેતોથી ચુસ્ત અભિવ્યક્તિ પામે છે. એક અમેરિકન પરંપરાને મૂર્ત કરી આપી છે, એની જીવન પ્ધ્ધતિને અક્ષરબધ્ધ કરી છે. ઉપરાંત પંચમભાઈ સાથે હું સહમત પણ છું.

  4. Manvant Patel
    Manvant Patel July 1, 2011

    વાહ દક્ષેશભાઇ ! કમાલ કરી તમે વેગાસનું અદભુત વર્ણન કરીને ! મારે પોકર રમવાનું હજુ પણ મન ૮૨ વર્ષે પણ બાકી છે ! તમારો જેટલો આભાર માનું તે બધો ઓછો જ રહેશે !

  5. Atul
    Atul July 1, 2011

    જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિતિક્ષા અને મિતિક્ષા.કોમ ને. ભવિષ્યમાં ઘણી ઘણી ઊંચાઈઓને આંબે એવી પ્રભુ પ્રાર્થના.

  6. Devika Dhruva
    Devika Dhruva July 2, 2011

    લાસ-વેગાસનું એકદમ સાચું, કાવ્યાત્મક-ગઝલાત્મક ( ! ) વર્ણન.. અભિનંદન.

  7. Sapana
    Sapana July 2, 2011

    ત્રીજા વર્ષની સતત મહેનત અને સાહિત્ય પ્રત્યેની આપની ભાવના ખૂબ ફળી છે અને ફળતી રહે તેવી દુઆ. પંચમભાઈ સાથે સહમત થાવ છું વેગાસ છે ડાયાસ્પોરીક કવિતા છે …આપને શુભેચ્છા..
    સપના

  8. સુનીલ શાહ
    સુનીલ શાહ July 3, 2011

    અભિનંદન…

  9. Manhar Mody
    Manhar Mody July 4, 2011

    જન્મદિવસની શત શત મુબારકબાદ મિતીક્ષા. કોમ પ્રસ્તુત ગઝલનો મત્લા વાંચી મરીઝ સાહેબનો શેર યાદ આવી ગયો.

    જિંદગીના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’
    એક તો ઓછી મદીરા છે ને ગળતું જામ છે.

    ચોથા જન્મદિવસે મૂકેલ ડાયસ્પોરીક રચના દ્વારા ‘લાસ-વેગાસ’ ના કેસીનો જગતનું સચોટ ચિત્રણ કર્યું છે. અભિનંદન દક્ષેશભાઈ.
    ‘અલ્લાહ કરે જોરે-કલમ ઔર જિયાદા..’

  10. Ashish Joshi
    Ashish Joshi July 4, 2011

    મીતિક્ષા.કોમને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ .
    ભાગ્યનાં પાસાં ફરે જ્યાં રોજનાં રોલેટ*માં,
    ખણખણે જ્યાં રોકડું ઈનામ, આ વેગાસ છે.

Leave a Reply to Sapana Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.