કબીરવડ – ભૂરો ભાસ્યો ઝાંખો
ભરૂચ પાસે આવેલ કબીરવડથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. એક માન્યતા પ્રમાણે ચૌદમી સદીમાં શુકલતીર્થ ક્ષેત્રમાં જીવા અને તત્વા નામના બે બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતાં, તેમણે વડની એક સૂકી ડાળખી જમીનમાં રોપી અને એવો સંકલ્પ કર્યો હતો કે કોઈ સમર્થ સંતના સ્પર્શથી આ સૂકી ડાળ નવપલ્લિત બને અને તેને કુંપળો ફુટે. વરસો બાદ તેઓ વૃદ્ધ થયા ત્યારે સંત કબીર ત્યાં પધાર્યા. એમણે નર્મદાના નીરથી કબીર સાહેબના પગ ધોયા અને ચરણામૃત લીધા પછીનું જળ આ સૂકી ડાળીમાં સિંચ્યું. બસ, સર્વ ભક્તજનોના આશ્ચર્ય વચ્ચે તે સૂકી ડાળને કુંપળ ફૂંટી અને તે કબીરવડ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. એ પછી તો આખાય ગુજરાત અને ગુજરાત બહાર તેની પ્રસિદ્ધિ થઈ. અનેક વાર નર્મદાના પાણી એ બેટ પર ફરી વળ્યા છતાં ઈતિહાસનો સાક્ષી સમો કબીરવડ આજેય અડીખમ ઊભો છે. કવિ નર્મદે કબીરવડને અદભુત અંજલિ આપતું પદ રચ્યું. મેહુલભાઈએ એનું એટલું જ સુંદર સ્વરાંકન કર્યું. માણો કબીરવડના ગૌરવગીત સમી આ રચના પાર્થિવ ગોહિલના સ્વરમાં.
(સંગીત: મેહુલ સુરતી, આલ્બમ: નર્મદધારા)
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ભુરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધુમસે પ્હાડ સરખો,
નદી વચ્ચે ઊભો, નિર્ભયપણે એકસરખો;
દિસ્યો હાર્યો જોદ્ધો, હરિતણું હૃદે ધ્યાન ધરતો,
સવારે એકાંતે, કબીરવડ એ શોક હરતો.
કદે દેખાવે એ, અચરતિ જણાએ જગતમાં,
ખરી મ્હોરાંનો, મગરૂબ રહે દેશ નવ કાં?
મનાએ સત્સંગે, પવિતર કબીરાભગતમાં,
પ્રજાની વૃદ્ધિએ, નિત અમર કહેવાય નવ કાં?
જતાં પાસે જોઊં, વડ નહીં વડોનું વન ખરે,
મળે આડા ઊભા, અતિ નિકટ નીચે ઉપર જે;
વડો ઝાઝા તોએ, સહુ ભળી ગયે એક દીસતો,
વળી સંધાઓનું, અસલ જીવતું એક મુળ તો.
કિયૂં ડાળૂં પ્હેલૂં, કંઇ ન પરખાએ શ્રમ કરે ,
ઘસેડ્યો પાડીને, અસલવડ રેલે જણ કહે;
તણાયા છે ભાગો, ઘણી વખત જો એ વડ તણા,
તથાપી એ થાએ, ફુટ વીસ ગુણ્યા સો પરિઘમાં.
ફૂટી ડાળોમાંથી, પ્રથમ તરુ કેરી નીકળતા,
ખુંચે તેવા તંતુ, વધી જઈ નીચે જે લટકતા;
જટાની શોભાથી, અતિશ શરમાઈ શિવ ઊઠ્યા,
જટાને સંકેલી, વડ તજી ગિરિયે જઈ રહ્યા.
જટા લાંબી લાંબી, મુળ થડથી થોડેક દૂર જે,
નીચે ભૂમી સાથે, અટકી પછી પેસે મહિં જતે;
મળી મૂળીયાંમાં, ફરી નિકળી આવે તરુરુપે,
થડો બાંધી મોટાં, ઘણીક વડવાઈ કરી રહે.
વળી ડાળો મોટી, ઘણીક વડવાઇથી નિકળે ,
જટા પાછી જેને, અસલ પરમાણે જ લટકે;
નવાં બાંધી થાળાં, નવિન વટવાઇ ઉગી બને,
નહીં ન્હાની ન્હાની, પણ મુળ તરૂતુલ્ય જ કદે.
વડો વચ્ચે વચ્ચે, તરુ અવર આસોપાલવનાં,
વડોથી ઊંચાં છે, ખીચખીચ ભર્યાં પત્રથી ઘણાં;
ઘણા આંબા ભેગા, વળી ઘણીક સીતાફળી ઉગે,
બીજાં ઝાડો છોડો, વડની વચમાં તે જઈ ઘૂસે.
ઉનાળાનો ભાનુ, અતિશ મથી ભેદી નવ શકે,
ઘટા ઊંચે એવે, જન શીતળ છાયા સુખ લિયે;
ખુલી બાજૂઓથી, બહુ પવન આવી જમીનને,
કરે ચોખ્ખી રૂડી, પછી મીત થઈને ખુશી કરે.
ઘણાં જંતુ પંખી, અમળ સુખ પામે અહિં રહી,
ઘણાં જાત્રાળુઓ, અહીં ઊતરતાં પુણ્ય સમજી;
ઘણા શિકારીઓ, ગમત કરતા રેહ બહુ અહીં,
હજારો લોકોને, અડચણ સમાતાં અહિં નહીં.
અહીંયાંથી જોવી, ચકચકતી વ્હેતી નદી દુરે,
પશુ કો જોવાં જે, અહિં તહિં ચરે બેટ ઉપરે.
ઘટા ભારે જોવી, શબદ સુણવા કોઈ ખગના,
દિલે વાયુ લેવો, સુખ નવ હીણા લે કરમના.
ઘટા થાળાં લીધે, ઘણીક ફરવાને ગલી થઈ,
બખોલો બંધાઈ, રમણીય બહુ બેઠક બની;
નિરાંતે જેમાં તો, ખુશીથકી રમે લાલ લલના,
નિરાંતે જેમાં તો, ખુશીથકી રહે જોગી જપમાં.
દીપે છાયી જાડાં, હરિત કુમળાં પત્ર ઠુમસાં,
વળી રાતા ટેટા, ચુગી બહુ જીવો પેટ ભરતા;
પડે બાજૂએથી, બહુ ખુશનુમા રંગકિરણો,
નીચે ચળકે તડકે, બરફ સરખાં ઠારથી પડો.
ઠરી મારી આંખો, કબીરવડ તુને નિરખીને,
ખરી પાપી બુદ્ધિ, ખરી જ રૂડિ જાત્રા થઈ મને;
વિશેષે શોભે છે, ગભિર વડ તુંથી નરમદા,
કૃતાર્થી મોટો હું, દરશન વડે છું નરમદા.
- કવિ નર્મદ
June 14th, 2010 at 4:29 pm
આજે જ સાઈટની સફર કરી. ગમી, માણવાની મજા આવી
ઘણી ઘણી શુભેચ્છાઓ.
June 14th, 2010 at 8:11 pm
અમારી વાડીમાં કોણ જાણે કેટલા વરસોથી આવી જ યાદ અપાવે તેવો વડ ઉભો છે….તેની ઘટામાં અને છાયામાં એક પ્રકારની શાન્તિ મળે છે. તે ખરેખર અવર્ણનીય છે..
June 17th, 2010 at 10:42 pm
કવિ નર્મદેના કબીરવડને અંજલિ આપતાં કાવ્યનું શિખરિણી છંદને વદફાદાર રહી ગાન કરવાથી કાવ્યની ખૂબીઓ ખીલી ઊઠી છે.