આશ બૂઝાતી નથી

મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ. આશા છે આપને એ ગમશે.

તું નજરની પાસ હો તો પ્યાસ બૂઝાતી નથી,
ને નજરથી દૂર હો તો આશ વિલાતી નથી,

આંખની સામે રહે પણ ભાવ ના વાંચી શકે,
એ સહુને યાદ કરતાં આંખ ભીંજાતી નથી.

આંખથી આંખો મળે તો એ ઝૂકાવે છે નયન,
સ્મિતથી તો પ્રેમની ગહેરાઈ દેખાતી નથી.

પ્રેમનો છે રોગ એવો કે છૂપે છૂપતો નથી,
પારખુ નજરોથી એની નાડ પરખાતી નથી.

જો ખુશીને વ્યક્ત કરવી હોય તો કરજો વિચાર,
કેમ કે નારાજ થાતાં એય અચકાતી નથી.

દાદ દઈને કોઈ દિ મારી ગઝલ ના સાંભળી,
એટલે મહેફિલમાં એની ખોટ વરતાતી નથી.

કેટલા વરસોથી ‘ચાતક’ ઝંખતો વરસાદને,
કેટલી ઊંડી સ્મરણની વાવ, પૂરાતી નથી.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (9)

પ્રેમનો છે રોગ એવો કે છૂપે છૂપતો નથી,
પારખુ નજરોથી એની નાડ પરખાતી નથી.

આવુ ને આવું જ લખતા રહેજો. અમારી પણ પ્યાસ બુઝાતી નથી.

Reply

પ્રેમનો છે રોગ એવો કે છૂપે છૂપતો નથી,
પારખુ નજરોથી એની નાડ પરખાતી નથી.
વાહ્
પ્રેમની લાગણી સનાતન છે. ગામડાગામમાં રહેતી કોઈ સ્ત્રી હોય તો એની અભિવ્યક્તિ જુદી હોય. શહેરમાં રહેતી કોઈ સ્ત્રી હોય તો એની અભિવ્યક્તિ જુદી હોય, આદિવાસી કે વનવાસીની અભિવ્યક્તિ જુદી હોય. અભિવ્યક્તિ જુદી હોઈ શકે પણ મૂળ વાત તો પ્રેમની છે. પ્રેમમાં ક્રીડા પણ છે અને પીડા પણ છે.
કેટલીક પીડા મનગમતી હોય છે. દેખાવ ફરિયાદનો હોય પણ એ ઉપર ઉપરની ફરિયાદને હઠાવી દઈએ તો નર્યો આનંદનો લય હોય. વિષય બદલાય પછી પણ એનો એ લય પરંપરાનો લય પણ કેવું કામ આપી શકે છે એ જોવા જેવું છે. ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે’ એ જ લય અહીં પ્રેમના વિષયમાં જુદી રીતે ઉદય પામ્યો છે.

Reply

Dear daxeshbhai, excellent creation….really nice….go ahead…

દાદ દઈને કોઈ દિ મારી ગઝલ ના સાંભળી,
એટલે મહેફિલમાં એની ખોટ વરતાતી નથી.

આપની ગઝલ પર મારી દાદ કબૂલ કરજો.

ગાલગાગાના આવર્તનોમાં વાતચીત રૂપે ગઝલ ખીલી છે.

મત્લામાં બુઝાતી કાફિયાને બે વાર આવતા અટકાવી શકાય તો કેવું ? આશ સુકાતી/કરમાતી નથી જેવું કંઈક થઈ શકે?

આંખની સામે રહે પણ ભાવ ના વાંચી શકે,
એ સહુને યાદ કરતાં આંખ ભીંજાતી નથી.

ખુબ સુંદર ગઝલ દક્ષેશભાઈ, વાહ..વાહ ક્યા બાત હૈ !!!

આંખની સામે રહે પણ ભાવ ના વાંચી શકે,
એ સહુને યાદ કરતાં આંખ ભીંજાતી નથી.
ખુબ સુંદર ગઝલ દક્ષેશભાઈ ..વાહ..મજા આવી ગઈ.

Reply

રચનાના પ્રથમ શેરના બન્ને મિસરામાં ” બુઝાતી નથી ” અંતમાં આવતું હોવાથી ગઝલનો રદિફ ” બુઝાતી નથી ” બનતો જોવા મળે છે અને કાફિયા ” આશ ” અને ” પ્યાસ ” બનતા જણાય છે. રચનાના પ્રથમ શેરના સાની મિસરામાં ” બુઝાતી “ના સ્થાને કોઇ અન્ય બંધબેસતો કાફિયો વાપરવાની જરુર જણાય છે. જેથી દોષ નીવારી શકાય.

પંચમભાઈ, તમારી વાત સાચી છે. મત્લાના શેરમાં સુધારો કરવાનું રહી જતું હતું. વિજયભાઈ, આજે તમારી કોમેન્ટ આવી એટલે એ કામ થઈ ગયું. બૂઝાતીને બદલે વિલાતી કર્યું છે. એમ કરવાથી ગઝલનો મત્લો બરાબર થાય છે અને કાફિયાદોષનું નિવારણ થાય છે. સુચન બદલ બંને મિત્રોનો હૃદયપૂર્વક આભાર.

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.