ધીરે ધીરે
મકરસંક્રાતિના શુભ પર્વે સૌ વાચકમિત્રોને શુભેચ્છાઓ. Happy Kite Flying ! મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. આશા છે એ આપને પસંદ પડશે.
જળ પર પડે પવનનાં પગલાંઓ ધીરે ધીરે,
ખીલે પછી કમળનાં ચ્હેરાંઓ ધીરે ધીરે.
કેવો હશે મધુર એ સંસ્પર્શનો અનુભવ,
ગુંજે છે તાનમાં સહુ ભમરાઓ ધીરે ધીરે.
સારસ ને હંસ યુગ્મો ચૂમી રહ્યાં પરસ્પર,
તોડીને મૌનના સૌ પરદાંઓ ધીરે ધીરે.
તું જાતને છૂપાવી કુદરતથી ભાગશે ક્યાં ?
એ ખોલશે અકળ સૌ મ્હોરાંઓ ધીરે ધીરે.
વૈભવ વસંતનો છે સંજીવની ખુદાની,
બેઠાં કરે છે સૂતાં મડદાંઓ ધીરે ધીરે.
ઈશ્વરની આ અભિનવ લીલા નિહાળ માનવ,
છોડી દે તારા મનની ભ્રમણાઓ ધીરે ધીરે.
સંભાવના ક્ષિતિજે વરસાદી વાદળોની
ચાતક વણે છે એથી શમણાંઓ ધીરે ધીરે.
- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
January 14th, 2010 at 10:16 am
ઈશ્વરની આ અભિનવ લીલા નિહાળ માનવ,
છોડી દે તારા મનની ભ્રમણાઓ ધીરે ધીરે.
વાહ..અતિ ઉત્તમ..ખૂબ ગમ્યું.
પ્રગતિ કરો સાહિત્ય રચનાની ધીરે ધીરે..
મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ…
January 14th, 2010 at 6:34 pm
દક્ષેશભાઈ, આ વખતે છંદ, બંધારણ અને બાની આ દરેક બાબતે ગઝલ ખરી ઉતરે છે. એટલું જ નહિ, દરેક શેરની ઊંડાઈ એક પાક્ટ અને અનુભવ સમૃદ્ધ ગઝલકારની હોય એવી છે. દરેક શેર અર્થઘન છે- કયાંય સ્પાટ બયાની, ચીલાચાલુ ચોટ કે લોકરંજક ગલગલિયાનો ધખારો નથી.
ગાગા લગા લગાગા, ગાગા લગા લગાગા જેવો અઘરો છંદ તમને સિદ્ધ થઈ ગયો.
આ ગઝ્લ વાંચીને વિવેક કાણે (સહજ)ની આ જ રદીફ (અલબત્ત અલગ છંદ અને કાફિયા)ની ગઝલ તરત યાદ આવી.
વધુ ને વધુ સુંદર ગઝલો મળતી રહે…..
January 14th, 2010 at 9:24 pm
સરસ રચના. વસંતનો વૈભવ— કડી વિશેષ ગમી.
સરયૂ પરીખ
January 14th, 2010 at 9:48 pm
વાહ ! ખૂબ જ સુંદર ગઝલ થઈ છે છંદ અને કાફિયા બખૂબી નિભાવ્યા છે !
અભિનંદન !
keep it up !
January 14th, 2010 at 10:31 pm
ઈશ્વરની આ અભિનવ લીલા નિહાળ માનવ,
છોડી દે તારા મનની ભ્રમણાઓ ધીરે ધીરે.
ખુબ સરસ.
January 14th, 2010 at 10:47 pm
કહેવુ પડે! વાહ! માનવ સહજ આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને એની સામે કુદરતનું “હૂ..તૂ..તૂ..”ની કાબીલે તારીફ રચના!
January 14th, 2010 at 11:09 pm
સુંદર લયબધ્ધ ગઝલ બની છે.
ધીરે-ધીરે જેવો સુંવાળો અને નજાકતથી ભરપૂર રદીફ , તર્ક અને તર્કસમર્થનને અનુરૂપ કાફિઆ અને સહજ અને સરળ અભિવ્યક્તિ બધાએ સાથે મળીને એક આખું ભાવ વિશ્વ ખડું કર્યું……
કોઈ એક પંક્તિ ટાંક્વી નથી એટલે સળંગ અભિનંદન.
January 15th, 2010 at 5:40 am
સંભાવના ક્ષિતિજે વરસાદી વાદળોની
ચાતક વણે છે એથી શમણાંઓ ધીરે ધીરે.
સુંદર ગઝલ..લયબધ્ધ.મજા પડી ગણગણવાની..
સપના
January 15th, 2010 at 6:54 am
બધા એ જે કહેવાનુ હતું એ કહી દીધું. .. હવે મારે કહેવાનુ બાકી શું રહ્યુ..???? . અભિનંદન દક્ષેશભાઇ …!!
January 15th, 2010 at 9:24 am
વૈભવ વસંતનો છે સંજીવની ખુદાની,
બેઠાં કરે છે સૂતાં મડદાંઓ ધીરે ધીરે.
ઈશ્વરની આ અભિનવ લીલા નિહાળ માનવ,
છોડી દે તારા મનની ભ્રમણાઓ ધીરે ધીરે.
સંભાવના ક્ષિતિજે વરસાદી વાદળોની
ચાતક વણે છે એથી શમણાંઓ ધીરે ધીરે.
સુંદર…વસંતનું આ ગાન, આખી કુદરતનો ઉત્સવ ચાલી રહ્યો હોય તેવું પ્રતિત થાય છે.
January 15th, 2010 at 1:54 pm
ઈશ્વરની આ અભિનવ લીલા નિહાળ માનવ,
છોડી દે તારા મનની ભ્રમણાઓ ધીરે ધીરે.
દક્ષેશભાઈ, ખુબ જ સરસ ગઝલ. આ શેર માં તો અંતરનું ઊંડાણ માપવાનો સફળ પ્રયત્ન. અભિનંદન.
January 15th, 2010 at 4:30 pm
ઈશ્વરની આ અભિનવ લીલા નિહાળ માનવ,
છોડી દે તારા મનની ભ્રમણાઓ ધીરે ધીરે……………..આ શેર ખુબ ગમ્યો
અભિનન્દન
January 16th, 2010 at 12:11 am
યુગોથી આથમતી સાંજ અને પ્રગટતું પ્રભાત પણ
અહીં તો જિંદગી સારી ગઈ હાથથી સાવ ધીરે ધીરે ……
January 16th, 2010 at 7:30 pm
સરસ રચના.
January 17th, 2010 at 1:52 am
Really Nice !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
January 19th, 2010 at 4:03 am
વૈભવ વસંતનો છે સંજીવની ખુદાની,
બેઠાં કરે છે સૂતાં મડદાંઓ ધીરે ધીરે.
ઈશ્વરની આ અભિનવ લીલા નિહાળ માનવ,
છોડી દે તારા મનની ભ્રમણાઓ ધીરે ધીરે.
અરે વાહ દક્ષેશ વાહ શું વાત કરી છે, ઉત્તરોતર ચઢીયાતા શેર અને ચાતક ઉપનામ સન્દર્ભેય કેટલું કહી દીધું. હું તો મોડો પડ્યો. આ રચના ફરી ફરી માણવી પડશે. બહોત ખુબ.
January 22nd, 2010 at 12:48 pm
સરસ મજાની ગઝલ.
January 24th, 2010 at 9:34 pm
આ રચના વાંચી. ગમી. દક્ષેશભાઈ લખતા રહેશો !
Daxesh, You and the READERS of this Blog are invited to my Blog Chandrapukar to read recent Posts on HEALTH.