નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો

armaan
શૂન્ય પાલનપુરીની એક અદભૂત રચના મનહર ઉધાસના સ્વરમાં.
(આલ્બમ – અરમાન)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધાં વગર
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર
કાંસકીને જો કે એના તનનાં સો ચીરાં થયા,
તો જ પામી સ્થાન જઈને એ પ્રિયાની ઝુલ્ફ પર.
*
નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો
અલૌકિક પ્રણયની કદર કોણ કરશે
સિતારા બની જો ચમકશે ન આંસુ,
જગે પ્રેમગાથા અમર કોણ કરશે … નહીં હોય

સમજવો નથી સાર કૈં જિંદગીનો
કે સમજીને સુખથી બસર કોણ કરશે
છિપાવી ગયું પ્યાસ મૃગલું જો એની
તો મૃગજળની સામે નજર કોણ કરશે … નહીં હોય

નથી કોઈ પણ માર્ગદર્શક અમારો,
નથી ક્યાંય પણ કોઈ મંઝિલ અમારી,
મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર,
અમારી અદાથી સફર કોણ કરશે … નહીં હોય

પીવાડો ગગન ડોકથી આંખ ઢાળી,
અમારી તરસ કેરો ઉપકાર માની,
ભરેલી હશે જો અમારી નજર તો,
તમારી નજર પર નજર કોણ કરશે … નહીં હોય

નજર રૂપની એટલે એક પારો,
હૃદય પ્રેમનું એટલે એક જ્વાળા,
સમાવ્યો છે પારો અમે આગ માંહે,
જીગર ‘શૂન્ય’ એવું અવર કોણ કરશે … નહીં હોય

- ‘શૂન્ય’ પાલનપુરી

9 Responses to “નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો”

  1. દિનકર ભટ્ટ Says:

    પીવાડો ગગન ડોકથી આંખ ઢાળી,
    અમારી તરસ કેરો ઉપકાર માની,
    ભરેલી હશે જો અમારી નજર તો,
    તમારી નજર પર નજર કોણ કરશે

    ’શૂન્ય’ હંમેશા શૂન્યમાથી સર્જન કરતા એવી પ્રતિતી થાય.

  2. Raju Says:

    My favorite one – for years I was humming this!!! Those Golden days……. are unforgetablle. Thank you for awaken my sweet memories…
    પીવાડો ગગન ડોકથી આંખ ઢાળી, અમારી તરસ કેરો ઉપકાર માની,
    ભરેલી હશે જો અમારી નજર તો, તમારી નજર પર નજર કોણ કરશે

  3. Dilip Gajjar Says:

    ખુબ સુન્દર રચના માણી. સુમધુર સ્વરમાં…

    નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો
    અલૌકિક પ્રણયની કદર કોણ કરશે

    હાલમાં જ આભાર નામે ૨૫મો આલ્બમ રિલીજ કર્યો નહી ?
    આ રચના બ્લોગ પર મુકવા દક્ષેશ તથા મીતિક્ષાનો આભાર.

  4. Preetam Lakhlani Says:

    મનહરભાઈએ આ ગઝલ બહુ જ દિલથી ગાઈ છે, જો કે શુન્યભાઈની ગઝલ પણ લાજવાબ છે.

  5. sudhir patel Says:

    લાજવાબ ગઝલ અને એવું જ સુંદર સ્વરાંકન!
    સુધીર પટેલ.

  6. Pancham Shukla Says:

    ખૂબ સરસ.

  7. Dushyant Banker Says:

    Ghanu saras, gujrati bhasa nu aa milan sthan.

  8. Tadrash Says:

    અત્યંત સરસ. મારા ખ્યાલથી તો કતલ કરી શકે તેવી રચના. શૂન્ય પાલનપુરીની.

  9. Mehul Says:

    ખરેખર…….. આ અદભુત રચનાના બોલની હું ઘણા બધા વખતથી શોધખોળ કરી રહ્યો હતો. મનહરભાઈએ બહુ દિલથી આ ગઝલને ગાઈ છે.

Leave a Reply