Press "Enter" to skip to content

બને ખરું !


મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. આશા છે એનું પઠન પણ આપને ગમશે.
*

*
અમથુંય ધારણાને છળવાનું બને ખરું,
એકાદ શક્યતાને ચણવાનું બને ખરું.

જેની કદી કરી ન હો જીવનમાં કલ્પના,
મૃગજળ મહીંય કો’દિ તરવાનું બને ખરું.

સ્થાપિત યુગો યુગોના રસમો રીતિ રિવાજ,
તોડી, ધનુષ વિનાયે વરવાનું બને ખરું.

સૂરજને ઝંખના છે જેની યુગો યુગોથી,
પૂનમના ચાંદને પણ અડવાનું બને ખરું.

અંતરના આયનામાં ઝૂકી જરા જુઓ તો,
અણધારી શખ્શિયતથી મળવાનું બને ખરું.

મુશ્તાક હો ભલેને પુરુષાર્થ પર તમે,
ક્યારેક શીશ ચરણે ધરવાનું બને ખરું.

‘ચાતક’ તમે ભલે હો સ્વાતિના ખ્વાબમાં,
સુક્કી ધરામાં કાયમી રહેવાનું બને ખરું.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

23 Comments

  1. સ્થાપિત યુગો યુગોના રસમો રીતિ રિવાજ,
    તોડી, ધનુષ વિનાયે વરવાનું બને ખરું.

    ખૂબ સરસ

  2. Jay
    Jay November 16, 2009

    બીજો અને પાંચમો શેર, ગમ્યા.
    નવીન અને અવગત કલ્પનાઓની…. સરસ રજુઆત !

  3. Pragnaju
    Pragnaju November 16, 2009

    સુંદર કૃતિ,
    આ પંક્તીઓ વધુ ગમી.
    અમથુંય ધારણાને છળવાનું બને ખરું,
    એકાદ શક્યતાને ચણવાનું બને ખરું.

    જેની કદી કરી ન હો જીવનમાં કલ્પના,
    મૃગજળ મહીંય કો’દિ તરવાનું બને ખરું.
    પઠન મઝાનું પણ હવે આશા તરન્નુમની…

  4. દક્ષેશભાઈ……
    આ સ્વાર્થને જ માત્ર ઓળખતી અને પોષતી મતલબી દુનિયામાં બધું જ બને………! આપણે પીઠ અને છાતી બન્ને પર થતાં ઘાવ પર નજર રાખવાની, કોણ ક્યારે ક્યાં અને કઈ રીતે ‘ઈજા’ કરી જાય નક્કી નથી……! આ સમયમાં, લાગણીશીલ હોવું એ જ ગુન્હો છે

  5. Darshan
    Darshan November 16, 2009

    જેની કદી કરી ન હો જીવનમાં કલ્પના,
    મૃગજળ મહીંય કો’દિ તરવાનું બને ખરું.

    ખુબ સુન્દર કલ્પના છે…

  6. Dilip Gajjar
    Dilip Gajjar November 16, 2009

    મુશ્તાક હો ભલેને પુરુષાર્થ પર તમે,
    ક્યારેક શીશ ચરણે ધરવાનું બને ખરું.

    દક્ષેશ, ખુબ સુન્દર ગઝલ …માણસ હંમેશ પુરુષાર્થને જ બધો યશ ના આપી શકે..
    આખી ગઝલ જ સરસ છે અને તમારા અવાજમાં વળી એકદમ ગળે ઉતરી જાય અને આસ્વાધ્ય બને છે..
    વાહ બહુ મજા આવી ગઈ…

  7. Pancham Shukla
    Pancham Shukla November 16, 2009

    સરસ રચના.

    મન હોય તો મળવે જવાય ? વિધાનની જ્ગ્યાએ પ્રશ્નાર્થથી અનોખું ભાવવિશ્વ રચાયું છે.
    ગાગા લગા લગાગા ના બે આવર્તનોમાં રચના જો બરાબર ફીટ થઈ હોત તો સુંદર ગઝલ બનત.

    અમથુંય ધારણાને છળવાનું શું બને?
    એકાદ શક્યતાયે ચણવાનું શું બને?

  8. Chetu
    Chetu November 16, 2009

    સૂરજને ઝંખના છે જેની યુગો યુગોથી,
    પૂનમના ચાંદને પણ અડવાનું બને ખરું.

    અંતરના આયનામાં ઝૂકી જરા જુઓ તો,
    અણધારી શખ્શિયતથી મળવાનું બને ખરું.

    ખુબ જ સુંદર શેર .. અને એવુ જ સુંદર પઠન …! અભિનંદન ..

  9. Kirtikant Purohit
    Kirtikant Purohit November 16, 2009

    સારી અને સાફ સુથરી રચના છે. ખૂબ આશા જન્મે છે તમારી આગામી રચનાઓ માટે.

  10. Sapana
    Sapana November 16, 2009

    જેની કદી કરી ન હો જીવનમાં કલ્પના,
    મૃગજળ મહીંય કો’દિ તરવાનું બને ખરું.

    દક્ષેશભાઈ..કલ્પનાની પરિસિમા.અને આ લાઈનનો જવાબ હા છે.. બધા મૃગજળમાં જ તરતા હોય છે. લો મારી ગઝલનો મક્તો મળી ગયો..મને
    કલ્પનામા ઉડવા દો મને,
    મૃગજળમા તરવા દો મને,
    વાસ્તવીકતાના નગરો છોડો,
    ચંદ્રમા સાથે રમવા દો મને..
    સપના

  11. Kanchankumari Parmar
    Kanchankumari Parmar November 16, 2009

    હાથમાં હોય ના કલમ તોય મન મારું કવિ બને ખરું………

  12. Sneha
    Sneha November 17, 2009

    અંતરના આયનામાં ઝૂકી જરા જુઓ તો,
    અણધારી શખ્શિયતથી મળવાનું બને ખરું.
    આ શેર સૌથી વધુ ગમ્યો.
    વાહ….ખુબ જ સરસ…શીરાની જેમ ગળે ઉતરી ગઈ તમારા પઠન સાથે કવિતા..મને કહી શકો કે તમે આ રીતે પઠન-ઓડીઓ કઈ રીતે અપલોડ કર્યો મને પણ મન છે પણ બહુ ધ્યાનમા નથી..કદાચ યુ-ટ્યુબમાં આ રીતે અપલોડ કરી શકાય કેમ? સરળમાં સરળ રીત બતાવશો એવી આશા. તમારો દિવસ કુશળ મંગળ રહે.
    – સ્નેહા-અક્ષિતારક.

  13. Dr Bipin Contractor
    Dr Bipin Contractor November 17, 2009

    આખી ગઝલ જ આસ્વાધ્ય છે.વાહ !બહુ મજા આવી ગઈ.
    -ડૉ. બિપિન કૉન્ટ્રાકટર

  14. Sudhir Patel
    Sudhir Patel November 18, 2009

    ખૂબ જ સુંદર રચના અને ભાવવાહી પઠન!
    સુધીર પટેલ.

Leave a Reply to Sudhir Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.