ક્ષમા કરી દે !

85.jpg
આજે માણો શૂન્ય પાલનપુરીની એક લાંબી બહેરની ગઝલ મનહર ઉધાસના સ્વરમાં.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તોફાનને દઈને અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે !
હોડીનું એક રમકડું, તુટ્યું તો થઇ ગયું શું ?
મોજાંની બાળહઠ છે, સાગર ! ક્ષમા કરી દે !

હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ,
પળપળની યાતનાઓ, પળપળની વેદનાઓ !
તારું દીધેલ જીવન, મૃત્યુ સમું ગણું તો,
મારી એ ધૃષ્ટતાને ઇશ્વર, ક્ષમા કરી દે !

કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,
પોઢી જા હસતાં હસતાં ફૂલોની સેજ માની;
અર્થાત જુલ્મીઓના જુલ્મોના ઘાવ સહેવા,
પહેરી ઉદારતાનું બખ્તર, ક્ષમા કરી દે !

કાંટો છે લાગણીનો, વજનો છે બુધ્ધિ કેરાં,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ;
હે મિત્ર ! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે !

તું એક છે અને હું એક ‘શૂન્ય’ છું પરંતુ,
મારા જ સ્થાન પર છે નિશ્ચિત જગતનાં મૂલ્યો;
એથી જ ઓ ગુમાની ! જો હું કહું કે તું પણ
મારી દયા ઉપર છે નિર્ભર, ક્ષમા કરી દે !

- શૂન્ય પાલનપુરી

3 Responses to “ક્ષમા કરી દે !”

  1. Dhruvraj Chudasama Says:

    અતિ સુંદર..

  2. Dhruvraj Chudasama Says:

    વારેવારે સાંભળવાની મઝા આવે છે.

  3. Rejoice Says:

    ખુબ જ સુન્દર..

Leave a Reply