એ દુઆ

મિત્રો,
મીતિક્ષા.કોમ પરિવાર તરફથી સૌ વાચકોને શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન. આજના પવિત્ર પર્વદિવસ નિમિત્તે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું, જેમાં સૌને માટે અંતરના અંતરતમમાંથી કરાયેલ પ્રાર્થના, શુભેચ્છા અને દુઆનો ભાવ ભરેલો છે. આશા છે એ આપના મન-અંતરને સ્પર્શે.

ઝળહળે પ્રત્યેક દિન તુજ, મઘમઘે એની પળો
થા જિંદગીના બાગને મહેકાવનારો – એ દુઆ

જ્ઞાનનો દીપક પ્રકાશિત થા સ્વયં તું ને પછી
થા અંધકારે કોડિયું પ્રકટાવનારો – એ દુઆ

દર્દ, પીડા, યાતના, પ્રતિકૂળતા, ચિંતા મહીં
થા સ્મિતને ચહેરા ઉપર ફરકાવનારો – એ દુઆ

આ વાસ્તવિકતાની ધરા, સપનાં અહીં સાચા પડે,
થા ભાગ્યને પુરુષાર્થથી પલટાવનારો – એ દુઆ

ચપલા તણો ચમકાર છે તુજ ચાર દિનની જિંદગી,
થા યુગ સુધી ઈતિહાસને અજવાળનારો – એ દુઆ

જ્યાં જ્યાં મળે ચાતક, તૃષાતુર, આર્ત પ્રાણ, ઉદાસ ત્યાં,
થા પરબ, પાણી, પિપાસાને ઠારનારો – એ દુઆ

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (9)

ચપલા તણો ચમકાર છે તુજ ચાર દિનની જિંદગી,
થા યુગ સુધી ઈતિહાસને અજવાળનારો – એ દુઆ

આભાર. દક્ષેશભાઈ તમારી સુંદર શબ્દોમાં લપેટેલી દુઆઓ માટે.

Reply

દુઆ સઘળી ફળે સહુની એજ શુભકામના.

ઝળહળે પ્રત્યેક દિન તુજ, મઘમઘે એની પળો
થા જિંદગીના બાગને મહેકાવનારો – એ દુઆ

ચપલા તણો ચમકાર છે તુજ ચાર દિનની જિંદગી,
થા યુગ સુધી ઈતિહાસને અજવાળનારો – એ દુઆ

દક્ષેશ, એમ જ મન થાય છે કે આવો હું થાઉ..
જેવી ગઝલ છે ભાવ છે વિચાર છે આદર્શ છે અને દુઆ છે આ એક સાચા દિલથી..
તો નવવરસ આ નજર સામે એની પળો…
આપ સહુને નૂતન વર્ષ અભિનંદન..

વાહ દક્ષેશભાઈ,
કોઈના માટે વધુમાં વધુ થઈ શકે એ તમામ દુઆઓને એકી સાથે એક જ રચનામાં સમાવી લીધી તમે તો.
સુંદર દુઆઓ અને એવી જ સુંદર રચના બદલ અભિનંદન અને હા,
નૂતન વર્ષાભિનંદન.

Reply

દક્ષેશ, સૌને નૂતન વર્ષાભિનંદન!

તમારા અંતરની દુઆઓ બદલ ઘણા આભારસહ નૂતન વર્ષાભિનંદન !

Reply

આપની દુવાઓ ફળે એ જ અભિલાષા સાથે નૂતન વર્ષાભિનંદન!
સુધીર પટેલ.

Reply

દુઆ સઘળી ફળે સહુની એજ શુભકામના!
વાહ દક્ષેશભાઈ!વાહ ! સૌને નૂતન વર્ષાભિનંદન!

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.