કેમ ? હું માણસ છું.

મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ. માણસ માત્ર ભૂલને પાત્ર. જીવનમાં જેણે એક પણ ભૂલ ન કરી હોય તેવો કોઈ માણસ નહીં હોય. શૂન્ય પાલનપુરીનો શેર યાદ આવે છે
જીવન એક માર્ગ છે, ને માર્ગમાં તો હોય ખાડા પણ,
મુસાફર છું, પડું તો દોષ ના દેજો પતન માટે.
ભૂલ થવી માનવસહજ છે, પણ વ્યક્તિની ખરી પિછાણ તો પડીને ઉઠવામાં, ભૂલોમાંથી શીખીને આગળ ચાલવામાં, અને સવારનો ભૂલો સાંજે ઘેર આવે એ ન્યાયે સત્ય ને નીતિના રાહે પાછા ફરવામાં જ રહેલી છે. માણસની આગવી ઓળખને રજૂ કરતી મારી ગઝલ. (મારી અન્ય રચના પ્રતિક્ષાનો માણસ જોઈ ?)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


ભૂલો કરું છું ને પડું છું, કેમ ? હું માણસ છું,
સાંજે પાછો ઘર ફરું છું, કેમ ? હું માણસ છું.

સ્વર્ગની સીડી ચઢી ઉપર જવાની છે મજા
તોય પૃથ્વી પર રહું છું, કેમ ? હું માણસ છું.

મુશ્કેલ રાહો, દર્દ, આઘાતો અને પીડા, વ્યથા
તોય જીવનને ચહું છું, કેમ ? હું માણસ છું.

આહથી બસ વાહ સુધીની કલમની છે સફર
તોય ખડિયો લઈ લખું છું, કેમ ? હું માણસ છું.

તું નથી થાવાનો કો’દિ વ્યક્ત એની જાણ છે,
તોય ‘ચાતક’ સમ જીવું છું, કેમ ? હું માણસ છું.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (15)

દક્ષેશ,
મુશ્કેલ રાહો, દર્દ, આઘાતો અને પીડા, વ્યથા
તોય જીવનને ચહું છું, કેમ ? હું માણસ છું.

સવાર સુધરી ગઈ.. સુંદર રજુઆતમાં સ્પષ્ટ ઉચ્ચાર સભર વાસ્તવિકતા સભર ગઝલ સાંભળવા મળી. તત્વજ્ઞાન ભલે આકાશ જેટલું ઉચુ હોય પણ કદમ તો જમીન પર જ હોય છે તેવું માણસ જો ભૂલી જાત તો ઘણી ગેરસમજ સંભવે..ત્યારે આ પાંચશેરી ગઝલ ઘણું કહી જાય છે.હવે હું પ્રાર્થના કરીશ તો ચાલશે, ચિદાનન્દરુપ શિવોહં શીવોહં…

Reply

આહથી બસ વાહ સુધીની કલમની છે સફર
તોય ખડિયો લઈ લખું છું, કેમ ? હું માણસ છું.

તું નથી થાવાનો કો’દિ વ્યક્ત એની જાણ છે,
તોય ‘ચાતક’ સમ જીવું છું, કેમ ? હું માણસ છું.

સુંદર ગઝલનું મઝાનું પઠન.
ધન્યવાદ.
કૃષ્ણ દવે યાદ આવે

સંબંધોની ફાઈલ રાખી ને ચહેરા પર સ્માઈલ રાખી,
લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.
કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માગે તે ટહુકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

Reply

તમારી રચેલી ગઝલ તમારા સ્વરમા માણવાની ગમી.
પાઠક સાહેબની આવી એક રચના છે-

પહાડથીયે કઠ્ઠણ મક્કમ, માણસ છે;
દડદડ દડદડ દડી પડે ભૈ, માણસ છે.

ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે;
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે.

પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે;
ટાણે ખોટ્યું પડી, પડે ભૈ, માણસ છે.

Reply

સુંદર ગઝલનું મધુરું પઠન.

Reply

મંત્ર, તંત્ર, ધ્યાન, યોગ વિના પણ મને દેખાય છે
આ અવનીના અનેરા રંગ કેમ? હું માણસ છુ…..

સુંદર ગઝલ.
પરંપરિત શો છંદ-પ્રયોગ ?

અભિનંદન દક્ષેશભાઈ, સુંદર ગઝલની વધુ સુંદર રજુઆત. મઝા આવી.

Reply

સરસ રચના અને સુંદર રજુઆત્
આહ થઈ વાહ કેમ? હું માણસ છું…

Reply

સુંદર ગઝલ અને સરસ રજૂઆત! અભિનંદન!
સુધીર પટેલ.

વાહ, સુંદર ગઝલ !
દરેક શેર સરસ થયા છે.
અભિનંદન !

Reply

સુંદર રચના. અભિનંદન. આવી જ એક કૃતિ વર્ષાબેન બારોટની અહિયાં પ્રસ્તુત કરું છું –

ઝેર હદયમાં ભરતો માણસ.
સર્પની માફક સરતો માણસ.

વિસરી બેઠો માનવતાને,
દાનવ થઈને ફરતો માણસ.

મંદિર-મસ્જિદ બાંધે છે પણ,
ઈશ્વરથી ના ડરતો માણસ.

ક્ષણમાં એ ખીલી ઉઠેને,
ક્ષણમાં પાછો ખરતો માણસ.

સાચા-ખોટા શમણાં લઈને,
ખાલી ઘરને ભરતો માણસ.

દોડી દોડી સુખની પાછળ,
મરતાં પહેલા મરતો માણસ.

-વર્ષા બારોટ

યે ધરતી હૈ ઇન્સાનો કી કુછ ઔર નહી ઇન્સાન હૈ હમ.

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.