સનમ, તારી યાદોમાં …
મિત્રો આજે મારી એક સ્વરચિત કૃતિ. શ્રાવણનો વરસાદ અને હોળી ? હા, અહીં એવી વેદનાની વાત છે જેમાં આંખોમાંથી શ્રાવણની હેલી વરસતી હોય અને હૈયામાં સળગતી હોય સ્મરણોની હોળી. વિરહ અને મિલન એક સિક્કાની બે બાજુ છે, પણ આ એવા સિક્કાની વાત છે જેમાં માત્ર વિરહની વ્યથા જ લખેલી છે.
આંખોમાં મિલનના મંગલ સપનાં આંજેલા હોય અને વિધાતાના ક્રૂર હાથ એને ચકનાચૂર કરી નાખે ત્યારે સર્જાતા વિયોગની પ્રથમ રાત્રિએ પ્રેમીના હૈયામાં ઉપજતી અકથ્ય વેદનાનું, એની વિહ્વળતાનું, એના મૂંગા છતાં અસહ્ય એવા ઝૂરાપાનું અને એના હૈયાફાટ વલોપાતનું એમાં ચિત્રણ છે. આ ગીત સમર્પિત છે એવા દરેક વ્યક્તિને જેનું હૈયું પોતાના પ્રિય પાત્રને ગુમાવવાની વ્યથાથી સભર હોય – પછી એ સરહદ પર કુરબાન થનાર જવાંમર્દની પ્રેયસી હોય, અકસ્માતમાં પોતાના વહાલસોયા જીવનસાથીને ગુમાવનાર પરિણીતા હોય કે અસાધ્ય રોગના ખપ્પરમાં પોતાના પ્રિય પાત્રને બેબસ નજરોથી વિદાય થતાં જોઈ રહેલ સ્વજન.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સનમ, તારી યાદોમાં ચોધાર આંસુએ આંખો વરસતી રહી રાતભર,
એ શ્રાવણની હેલીમાં હૈયાની હોળી સ્મરણથી સળગતી રહી રાતભર.
એ દિવસો હજુ પણ મને યાદ છે, તારી આંખોમાં મારો ચ્હેરો હતો,
મનના મધુવનમાં પ્રીતમ ફકત એક તારી મહેકનો પહેરો હતો,
યુગોની સફરને ક્ષણોમાં ભરી સમય તો સરકતો રહ્યો રાતભર … સનમ
હતાં કેવાં સપનાં મધુરાં મિલનનાં, વસંતી ફૂલોનો મેળો હતો,
એ શમણાંના ઉપવનમાં ગૂંથેલ કેવો સંગાથ સોનેરી માળો હતો,
પથારીમાં પડખાં ઘસીને ફકત એની સળીઓ પીંખાતી રહી રાતભર … સનમ
ઊઠી કેવી આંધી સમયની કે મારો મૂકી હાથ, હાથેથી સરતો ગયો,
જીવનભર જડેલો ઝુરાપો બની મારી ‘ચાતક’શી આંખોમાં ઠરતો ગયો,
હથેળીમાં તારાં લખેલાં બધાં નામ અજાણે ભુંસાતા રહ્યાં રાતભર … સનમ
- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
August 12th, 2009 at 9:39 am
સરસ ગીત… !
અવાજ – અદા પણ મજેની .. !!
August 12th, 2009 at 9:52 am
સ્મરણો લાવશે પ્રકૃતિની એક એક વાત તારા સ્મરણો લાવશે. ઘણૂ સુંદર કાવ્ય છે.
તમે મારાં બ્લોગમાં ‘સ્મરણો લાવશે’ જરુર સાંભળશો દક્ષેશભાઈ.
અવાજ પણ દર્દથી ભરેલો!
સપના
August 12th, 2009 at 9:56 am
મજાની કૃતિ …
કમનસીબે ઓફીસમાં ઓડીયો કન્ટેન્ટ બ્લોક્ડ હોવાથી સાંભળી ન શક્યો…
August 12th, 2009 at 10:41 am
સુંદર ગીત…
ગીતની ધ્રુવ પંક્તિમાં ‘વરસતી રહી’ અને સળગતી રહી’ આવતા હોવાથી અંતરામાં ‘સરકતો રહ્યો’ અને ‘ભૂંસાતા રહ્યા’ જરા ખટકે છે…
August 12th, 2009 at 11:36 am
જન્મ દિવસ નિમિત્તે અંતરથી આશીર્વાદ…આધ્યાત્મિક અને સાહિત્ય ક્ષેત્રે સુમેરુ શિખરો સર કરો.
સુંદર કૃતિ માટે ખૂબ ખૂબ અભિનંદન…
August 12th, 2009 at 2:40 pm
બહુ સુંદર ગીત. સહજ રીતે સરી આવેલા સંવેદનો.
August 12th, 2009 at 2:42 pm
આંખો મારી દર્શન તમારું પળ પળ ઝંખે છે અને પલકારો એક એક યુગો જેવો ભાસે છે………
August 12th, 2009 at 5:28 pm
એ શ્રાવણની હેલીમાં હૈયાની હોળી સ્મરણથી સળગતી રહી રાતભર.
દક્ષેશ, સુંદર રચના છે..દરેક વ્યક્તિના ભાવોને વાચા આપે છે..અવાજ સચોટ ભાવવાહી પઠન..ગઈ કાલે જ યોર્કશાયરના ગુજરાતી, અને ઉર્દુ મુશાયરામાં ગઝલ રજુ કરી અનેક શાયરોને સાંભળ્યા. ગુજરાતી ભાષા ફરી થનગની…અભિનન્દન આપને અને બ્લોગકર્તાને
August 12th, 2009 at 7:49 pm
સુંદર ગીત….
August 12th, 2009 at 7:54 pm
Nice one,….Congrats !
See you on Chandrapukar.
- Chandravadan.
August 12th, 2009 at 8:03 pm
સુંદર ગીત માણવાની મજા આવી. અભિનંદન!
સુધીર પટેલ.
August 12th, 2009 at 11:06 pm
જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેછાઓ
August 12th, 2009 at 11:38 pm
એ દિવસો હજુ પણ મને યાદ છે, તારી આંખોમાં મારો ચ્હેરો હતો,
મનના મધુવનમાં પ્રીતમ ફકત એક તારી મહેકનો પહેરો હતો,
યુગોની સફરને ક્ષણોમાં ભરી સમય તો સરકતો રહ્યો રાતભર … સનમ
ઊઠી કેવી આંધી સમયની કે મારો મૂકી હાથ, હાથેથી સરતો ગયો,
જીવનભર જડેલો ઝુરાપો બની મારી ‘ચાતક’શી આંખોમાં ઠરતો ગયો,
હથેળીમાં તારાં લખેલાં બધાં નામ અજાણે ભુંસાતા રહ્યાં રાતભર … સનમ
આવી રીતે તમારુ યોગદાન આપતા રહો અને તમારી સાહિત્ય ક્ષેત્રે જે પ્રગતી થઈ રહી છે તે રોકેટ ગતીએ થતી રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. જ્ન્મ દિવસ મુબારક. તુમ જીઓ હજારો સાલ … સાલ કે દિન હો પચાસ હજાર . wish u happy birthday. many many happy returns of the day.
August 13th, 2009 at 2:57 pm
બહુ જ સરસ ગીત.
August 14th, 2009 at 9:24 am
nice lyric and congratulation. keep it up
see you at hp555
February 8th, 2010 at 5:57 pm
સુંદર. દક્ષેશભાઇ, અભિનંદન.