કોમળ શ્વાસોલાપ થવા દે

મિત્રો આજે મારી એક સ્વરચિત કૃતિ. વર્ષાઋતુના પગરણ થઈ ચુક્યા છે. વર્ષા એટલે પ્રેમની ઋતુ. એમાં સમગ્ર પ્રકૃતિ – પશુ, પક્ષીઓ, જીવજંતુ સર્વે પ્રણયના રંગે રંગાઈ જાય તો આપણે સહુ શા માટે બાકાત રહીએ ? વર્ષા એટલે પ્રેમના પ્રગાઢ આલિંગનનું પ્રકૃતિનું ઈજન; બેમાંથી એક થવાનું, અસ્તિત્વને ઓગાળવાનું અને લાગણીઓના અભિષેકનું આહવાન. પ્રેમમાં ધોધમાર વરસાદ જ હોય, સીમાઓને ઓળંગવાનું હોય, કાંઠા તોડી વહી જવાનું હોય, તરબતર થવાનું હોય. એવા જ કંઈક ભાવોને વ્યક્ત કરતી મારી આ રચના માણો.
(અને હા, એ કહેવાનું રહી ગયું કે આજે કે આજે મીતિક્ષાબેન અને મીતિક્ષા.કોમ – બંનેનો જન્મદિવસ છે. આજે મીતિક્ષા.કોમને એક વરસ પૂરું થાય છે. તમારા સૌના ઉમળકાભેર મળેલ સાથ-સહકાર બદલ હૃદયપૂર્વકનો આભાર.)

રાત જવા દે, વાત જવા દે, મોસમને બેતાબ થવા દે,
એકમેકમાં ઓગાળેલાં કોમળ શ્વાસોલાપ થવા દે.

ચાલ કરીએ સ્નેહે નર્તન, પ્રેમપત્રનું પુનરાવર્તન
ઝરમર ઝરમર ઝરતાં જળમાં ઝાકળશો ઉન્માદ થવા દે.

સ્થિર જીવનમાં પ્રેમ લપસણી, સાંજ બની છે કંકુવરણી,
ક્ષણની ક્ષીણ ક્ષિતિજ પર આજે, રેશમી તું પરભાત થવા દે.

તું યૌવન-ભરપૂર સુરાહી, અધરોથી છલકાતી પ્યાલી
ઢોળાઈને આજ ધરા પર, એને તું આબાદ થવા દે.

‘ચાતક’ની ધરતી છે પ્યાસી, છલકે રોમેરોમ ઉદાસી
એક અષાઢી સાંજ થઈ તું ધોધમાર વરસાદ થવા દે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (24)
Reply

અભિનંદન…
પ્રથમ વર્ષ સમાપનને અને દ્વિતિય વર્ષ્ શુભ શરુઆતની. જે પહેલાથી પણ વધુ કાર્યકારી બને તેવી પ્રભુને પ્રાર્થના

Reply

ચાતક’ની ધરતી છે પ્યાસી, છલકે રોમેરોમ ઉદાસી
એક અષાઢી સાંજ થઈ તું ધોધમાર વરસાદ થવા દે.

વાહ
અને સાંપ્રત પરિસ્થિતિમા સ્થુળ સ્વરુપે પણ અમીછાંટણા થવા દે…

એક અષાઢી સાંજ થઈ તું ધોધમાર વરસાદ થવા દે…

વાહ મિત્ર… ખુબ જ સુંદર…

સુંદર રચના !
અપૂર્વ અભિવ્યક્તિ અને લયનો કોમળતા જોવા મળી.
બ્લોગના જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ !
ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એ જ પ્રાર્થના !
અભિનંદન !

દક્ષેશભાઈ,
જન્મદિને મિતિક્ષાબેન અને આપને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..

રાત જવા દે, વાત જવા દે, મોસમની ફરિયાદ જવા દે,… સરસ !!

દ્વિતીય વર્ષમાં પ્રવેશ બદલ ખૂબ ખૂબ અભિનંદન…

સુંદર ગઝલ… પણ કાફિયા-રદીફમાં થોડી ગરબડ થઈ ગઈ છે…

દક્ષેશભાઈ,

જન્મદિને મિતિક્ષાબેન અને આપને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..

રાત જવા દે, વાત જવા દે, મોસમની ફરિયાદ જવા દે,
એકમેકમાં ઓગાળી દે, અલગ અલગ આ શ્વાસ જવા દે.

વાહ.. કેટલી સરસ વાત… લય તો લાજવાબ છે..

મિતિક્ષાબેન અને આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ …આપ આમ જ પ્રગતિ ના સોપન સર કરો એવી પ્રભુ ને પ્રાર્થના…

ચાલ કરીએ સ્નેહે નર્તન, પ્રેમપત્રનું પુનરાવર્તન
ઝરમર ઝરમર ઝરતાં જળમાં, લાગણીનો અભિષેક થવા દે.

ખુબ જ સુન્દર અભિવ્યક્તિ …

ક્ષણની ક્ષીણ ક્ષિતિજ પર આજે, રેશમી તું પરભાત થવા દે.
દક્ષેશ બહોત ખુબ..મને એમ થયું કે કફિયા રદીફનો નવો પ્રયોગ કે શુ ?
મીતિક્ષાબેનને જન્મદીન ના ખુબ ખુબ અભિનંદન
સાથે સાઈટને આગામી વર્ષની લેસ્ટરગુર્જરી તરફથી શુભેચ્છાઓ

સુંદર રચના. અભિનંદન. મીતિક્ષાબેન અને મીતિક્ષા ડોટ કોમ-એ બન્નેના જન્મદિન નિમિત્તે અઢળક શુભેચ્છાઓ.

મીતિક્ષાબેન અને મીતિક્ષા ડોટ કોમ બન્નેને જન્મદિનની વધાઈ.
સ્વરચિત કૃતિ મઝાની છે.

સુંદર લયબધ્ધ રચના.
શુભકામના.

Reply

દ્વિતીય વર્ષના હાર્દિક અભિનંદન!
સુંદર વર્ષા-ગઝલ!
સુધીર પટેલ.

જન્મદિન મુબારક- મીતિક્ષા અને મીતિક્ષા.કોમ બન્નેને
વિવેકભાઈએ આગળ ધ્યાન દોર્યું છે એટલે રીપીટ નથી કરતો પણ આગળ-ઉપર પરફેક્શન બાબતે સતર્ક રહેવાથી રચનાઓમાં નિખાર આવી શકે છે.-વિચારી જોજો.

1 2

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.