આજે એક નજમ. પ્રિયતમા પ્રેમીને એવું અવારનવાર કહેતી નજરે પડે છે કે હું કેવી લાગું છું તે કહો. પણ આ વાત એક કવિ-એક શાયરની છે. એની પ્રિયતમા એને કહે છે કે તમે મારું વર્ણન કરો. સભાઓમાં અન્ય નારીઓનું વર્ણન કરીને વાહ વાહ મેળવનાર શાયરના હૃદયમાં ચક્રવાત સર્જાય છે. જે રૂપકોના પ્રણેતા હોય, જેની પાસે ઉપમાઓ તાલીમ લેતી હોય, એવી સુંદરતાની મૂર્તિ સમાન પ્રિયતમાના વર્ણન માટે શબ્દો ક્યાંથી શોધી લાવવા ? પણ સુંદરતા સાથે સુંદર હૃદયની અધિપતિ એવી એની પ્રિયતમા એના સરળ અને સીધા વર્ણનને સાંભળીને ઝૂમી ઉઠે છે ! સૈફની આ સુંદર રચના મનહર ઉધાસના સ્વરમાં.
*
આલ્બમ – આનંદ
*
એક દી’ એમણે પોતે જાતે કહ્યું,
‘સૈફ’ આજે જરા મારુ વર્ણન કરો.
મારા વિશે જરા થોડા રૂપક કહો,
થોડી ઉપમાઓનું આજ સર્જન કરો.
કેવી હાલત ભલા થઇ હશે એ સમયે,
એ તો દિલ વાળા જે હોય કલ્પી શકે,
જેણે બાંધ્યો હો રૂપાળો રિશ્તો કદી,
એ જ સમજી શકે, એ જ જાણી શકે.
કોક બીજાની હોતે જો આ માંગણી,
હું’ય દિલ ખોલીને આજ વર્ણન કરત.
આ સભા દાદ દઇને દઇને થાકી જતે,
એવા સાહિત્યનું આજ સર્જન કરત.
પણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલા
એ જ રૂપક જો ચાહે તો હું શું કરું ?
જેની પાસેથી ઉપમાઓ તાલીમ લે,
એ જ ઉપમાઓ માંગે તો હું શું કરું ?
તે છતાં મે કહ્યું, મારે કહેવું પડ્યું,
છો રૂપાળા તમે, ખૂબ સારા તમે,
આંખ બહુ મસ્ત છે, ચાલ બહુ ખૂબ છે,
અંગે અંગે છો નખશીખ પ્યારા તમે.
કેવી સીધીને સાદી હતી વાત આ,
કેવા ભોળા હતા તેઓ ઝૂમી ગયા.
બોલ્યા કેવા મજાના છો શાયર તમે,
કેવુ સારું ને મનગમતું બોલી ગયા.
– સૈફ પાલનપુરી
પણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલા
એ જ રૂપક જો ચાહે તો હું શું કરું ?
જેની પાસેથી ઉપમાઓ તાલીમ લે,
એ જ ઉપમાઓ માંગે તો હું શું કરું ? …
સૈફની આ સુંદર રચના મનહર ઉધાસના સુંદર ભાવવાહી સ્વરમાં સાંભળીને મન ઝૂમી ઊઠ્યું. અભિનંદન દક્ષેશભાઈ!
ખુશ થઈ જવાયું ભાઈ. આપનો ખૂબ જ આભાર.
ખૂબ સરસ ગઝલ છે,વળી મનહરભાઈનો અવાજ.સોનામાં સુગંધ ભળી.
સપના
very nice , put some more..
bahu j sundar. ” dil ni vato dil ne kahi, dil khush thayu, vat sambhali vatni vatothi hasay gayu.
ખુબ સુંદર રચના અને એટલો જ અદભુત અવાજ .. ગુજરાતી સાહિત્યની એક અદભુત રચના. સતત ગૂંજ્યા કરે છે મારા કાનમાં.
ભાઈ ખુબ જ સુંદર રચના છે. એક જ દિવસમાં પચ્ચીસ વાર સાંભળી તો પણ હજી વધારે ઇચ્છા થાય છે…