દૂધને માટે રોતા બાળક

ગરીબી કદાચ માનવના લલાટે મોટામાં મોટો અભિશાપ છે એમ કહીએ તો ખોટું નથી. ગરીબને ઘરે જન્મ લેનાર બાળકના નસીબમાં દૂધને માટે રોવાનું લખાયેલું હોય છે જ્યારે પૈસાદાર અને સાધનસંપન્ન વ્યક્તિના ઘરે જન્મનારને સોના-ચાંદીના ચમચાથી દૂધ અપાય છે. ગરીબ અને તવંગરની જીવનશૈલીનો આ વિરોધાભાસ શૂન્યને સાલે છે. પરંતુ ગરીબના એ રડતાં બાળકને શું કહેવું ? શૂન્ય કહે છે કે પરિસ્થિતિનો સ્વીકાર કર. તું ગરીબના ઘરમાં જન્મ્યું એટલે તારે આ બધું સહન કરવું પડશે. હજુ તો આગળ જીવનમાં કેટલીય મુસીબતો આવશે તે સમયે આ આંસુઓ તને કામ આવશે એથી અત્યારે તું છાનું થઈ જા ! ભલભલાં પાષાણ કાળજાને શબ્દોના મર્મવેધી બાણથી વીંધી નાખે એવી શૂન્યની આ અમર કૃતિ મનહર ઉધાસના સ્વરમાં.
[આલ્બમ: અરમાન]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો
એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,
દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે .. દૂધને માટે રોતાં બાળક

ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે નર્મ શયનનાં સાધન હોત
મોટર મળતે, ગાડી મળતે, નર્સનાં લાલન-પાલન હોત
સોના-રૂપાના ચમચાથી દૂધની ધારા વહેતી હોત
તું રડતે તો પ્રેમની નદીઓ તોડી કિનારા વહેતી હોત
પણ તારા દુર્ભાગ્ય હશે કે જન્મ લીધો તેં આ ઘરમાં
ફેર નથી જે ઘરમાં ઇન્સાન અને જડ પથ્થરમાં … દૂધને માટે રોતાં બાળક

હાડ ને ચામનાં ખોખામાં તું દૂધનાં વલખાં મારે છે
મહેનત નિષ્ફળ જાતી જોઇ રોઇને અશ્રુ પાડે છે
આ ઘરની એ રીત પુરાણી આદીથી નિર્માઇ છે
મહેનત નિષ્ફળ જાયે છે, નિષ્ફળ જાવાને સર્જાઇ છે
વ્યર્થ રડીને ખાલી તારો અશ્રુ ભંડાર ન કર
મોંઘામૂલા એ મોતીનો ગેરઉપયોગ લગાર ન કર … દૂધને માટે રોતાં બાળક

તન તોડીને જાત ઘસીને પેટ અવર ભરવાનાં છે
શ્રમ પરસેવે લોહી નિતારી મહેલ ઊભાં કરવાનાં છે
એના બદલે મળશે ખાવા ગમ ને પીવા આંસુડા
લાગશે એવાં કપરાં કાળે અમૃત સરખા આંસુડા … દૂધને માટે રોતાં બાળક

ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં
ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં
આ ઘરમાં તો એવી અગણીત વાતો મળવાની
ભુખના દા’ડા મળવાના ને પ્યાસની રાતો મળવાની
આ ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે,
ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે, આ ઘરમાં તું જનમ્યું શાને… દૂધને માટે રોતાં

– શૂન્ય પાલનપુરી

COMMENTS (2)

લોકો દારિદ્ર સહન કરે છે અને છુપાવે છે
જ્યારે કવિ એને વ્યક્ત કરે છે.
એ કવિની આગવી ખુમારી છે.
એને માટે દુનિયાના સમીકરણો તદ્દન અલગ હોય છે
ભાવભીની ગાયકી

Reply

કહે છે કે આ સૃષ્ટિનો સર્જનહાર છે ભગવાન તો પછી તેને સર્જેલા કેટલાંક બની મોંઘા મહાલે મહેલાતોમાં અને કેટલા અધખીલેલા કચડાય કીચડમાં…..નાના બાળકોનો શું ગુન્હો ?

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.