Press "Enter" to skip to content

કૈંક જડવું જોઇએ

સત્ય પણ ક્યારેક કડવું જોઇએ,
જાતની સાથે ઝઘડવું જોઇએ !

બ્હારના સમરાંગણોની વાત શી ?
ભીતરે કે લમણે લડવું જોઇએ !

એ રહ્યો ઇશ્વર, ખપે એને અરૂપ;
માનવી છું, મારે ઘડવું જોઇએ !

આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું,
રાહ છે તો કૈંક નડવું જોઇએ !

આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યુ તે અડવું જોઇએ !

કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
ખાલીપાએ પણ ખખડવું જોઇએ !

પ્રેમમાં ઔંદાર્ય તો હોવું ઘટે!
આળ જેવું કૈંક ચડવું જોઇએ !

સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
ભીના ભીના રહી શું સડવું જોઇએ ?

ધૂળધોયાનું મળ્યું જીવન `અનિલ`,
એય તક છે, કૈંક જડવું જોઇએ !

– રતિલાલ ‘અનિલ’

2 Comments

  1. દિનકર ભટ્ટ
    દિનકર ભટ્ટ February 21, 2009

    સત્ય પણ ક્યારેક કડવું જોઇએ,
    જાતની સાથે ઝઘડવું જોઇએ !

    આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું,
    રાહ છે તો કૈંક નડવું જોઇએ !

    સુંદર રચના, ઘણા સમય પછી સુંદર રચના માણવા મળી.

  2. Dilip Gajjar
    Dilip Gajjar February 21, 2009

    એ રહ્યો ઇશ્વર, ખપે એને અરૂપ;
    માનવી છું, મારે ઘડવું જોઇએ !

    આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું,
    રાહ છે તો કૈંક નડવું જોઇએ !

    યે જીના ભી કોઈ જીના હૈ લલ્લુ..એમ થઈ જાય કદીક આપણું જીવન જોઈને. અમારા એક પ્રોફેસર અમને રીતસર બોલાવડાવતા હતા કે બેકાર જીના બેકાર હૈ…
    ખુબ સુંદર ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.