ગણી બતાવ

20.JPG
ગણવું જ કાંઇ હોય તો થડકા ગણી બતાવ,
તેં ફેરવેલા શ્વાસના મણકા ગણી બતાવ.

દુષ્કાળના માઠા વરસમાં આંગણે મૂકી,
ઊડી ગયેલ પંખીના પગલાં ગણી બતાવ.

વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું,
ને એ પછી તૂટી જતા પડઘા ગણી બતાવ.

તલવાર જેવો છે સમય લાચાર તું હવે,
ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ.

એકાદ બે કે પાંચ-પચ્ચીસ કે વધુ હશે….
તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,
રાખ્યા છે કિન્તુ કેટલા પડદા, ગણી બતાવ.

- હરીશ્ચંદ્ર જોશી

One Response to “ગણી બતાવ”

  1. Dilip Gajjar Says:

    ગણવું જ કાંઇ હોય તો થડકા ગણી બતાવ,
    તેં ફેરવેલા શ્વાસના મણકા ગણી બતાવ.
    ખુબ જ જાનદાર મતલાવાન ગઝલ અને ગઝલકારને રુબરૂ પણ મળવાની ખુબ મઝા આવી..ઘણું જાણવા મળ્યું.
    - દિલીપ ગજ્જર

Leave a Reply