મળી કંકોત્રી મને

આજકાલ લગ્નસરાની મોસમ છે. કંકોત્રીઓ લખાય છે, વહેંચાય છે, વંચાય છે અને ઉમળકાભેર લગ્નોમાં હાજરી અપાય છે. એમાં કશું નવું નથી … પરંતુ અહીં કવિના હાથમાં પોતાની પ્રિયતમાના લગ્નની કંકોતરી આવે છે. એ પ્રણય, જે કોઈ કારણોસર એના કાયમી મુકામ પર ન પહોંચ્યો, કવિના અંતરને ઝંઝોળે છે. તો બીજી બાજુ પ્રિયતમા પણ એના પ્રભુતામાં પગલાં ભરવાના પ્રસંગે કંકોતરી મોકલાવી પોતે ભૂલી શકી નથી એનો પુરાવો આપે છે. નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે …ઘણું બધું કહી જાય છે. ગુજરાતી સાહિત્યમાં અનોખી ભાત પાડતી આસિમ રાંદેરીની આ સુંદર રચના આજે સાંભળીએ.
[સ્વર: મનહર ઉધાસ; આલ્બમ: આવકાર]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે,
એને પસંદ છો હું નથી, શાયરી તો છે,
વરસો પછીય બેસતાં વરસે હે દોસ્તો,
બીજું તો ઠીક એમની કંકોતરી તો છે.
*
મારી એ કલ્પના હતી વીસરી મને
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને.
ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને
લ્યો એનાં લગ્નની મળી કંકોતરી મને.

સુંદર ન કેમ હોય કે સુંદર પ્રસંગ છે
કંકોતરીમાં રૂપ છે શોભા છે રંગ છે.

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ
જાણે કે પ્રેમકાવ્યોની કોઈ કિતાબ સમ.

જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી
શિરનામું મારૂં કીધું છે ખુદ એના હાથથી.

છે એને ખાતરી કે હું આવું નહીં કદી
મારી ઉપર સભાને હસાવું નહીં કદી
દીધેલ કોલ યાદ અપાવું નહીં કદી
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી

દુઃખ છે હજાર તો ય હજી એ જ ટેક છે
કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.

કંકોતરીથી એટલું પુરવાર થાય છે
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે
જયારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.

ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી
તકદીરનું લખાણ છે કંકોતરી નથી.

કાગળનો એક કટકો છે જોવામાં એમ તો
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો
સુંદર સળંગ રમ્ય છે શોભામાં એમ તો
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો

કોમળ વદનમાં એના ભલે છે હજાર રૂપ
મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ.

એને ભલેને પ્રેમથી જોયા નહીં કરૂં
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરૂં
સંયમમાં હું રહીશ બળાપા નહીં કરૂં
આવેશમાં એ ‘ફૂલ’ના કટકા નહીં કરૂં.

આ આખરી ઈજન છે હ્ય્દયની સલામ દઉં
‘લીલા’ના પ્રેમપત્રોમાં એને મુકામ દઉં.

‘આસિમ’ હવે એ વાત ગઈ રંગ પણ ગયો
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું
એ પારકી બની જશે હું એનો એ જ છું.

– આસીમ રાંદેરી

COMMENTS (14)

આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો, તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો,
હાથોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો, મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો,
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છુ, એ પારકી બની જશે હું એનો એ જ છું.
ભૂલી વફાની રીત ના ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને.

– સુંદર રચના, સુંદર અભીવ્યક્તિ

Reply

Fine gazal…………

one more angle in my collection….

Reply

દાહક બની સ્પર્શ આપનો સ્પર્શ્યો કેટલીએ વાર પણ નથી સ્પર્શતી હુંફ જે સ્પર્શી તમ કરથી જિંદગીમાં મુજને પહેલી વાર..’

Best emotional song with superbly sung by Singer

Reply

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છુ,
એ પારકી બની જશે હું એનો એ જ છું.
ભૂલી વફાની રીત ના ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને.

સુંદર રચના, સુંદર અભીવ્યક્તિ

Reply

પ્રિયતમાની વિદાય પર આથી સુંદર અને હૃદયદ્રાવક બીજું કઈ હોઈ જ ના શકે.

“નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે..”
એક એવું સત્ય જે છે પણ એ સ્વીકારવું ના ગમે….
કેટલાય લોકો ની સ્થિતિ આ શબ્દો મહીં વણી લીધી છે..!!!!
અદભૂત અને આબેહૂબ વર્ણન.

Reply

what a heart touching ghazal. Can anybody send me link to download it! plz.

આસિમજીની આ રચના ઉપરાંત અન્ય મેઁ વાંચી-સાંભળી છે, બધી જ કુતૂહલ પ્રેરક છે. લીલા કોલેજમાં જાય છે….વગેરે. એમનું એક
માત્ર પ્રેરણાસ્થાન હોય તેમ લાગે છે લીલા ! આભાર માનવો તો ખરો જ ! સૌનો !

Reply

ખુબ સરસ,દિલ ને સ્પર્શી જાય તેવી રચના …

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છુ,
એ પારકી બની જશે હું એનો એ જ છું…. ખુબ જ સરસ.

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છુ,
એ પારકી બની જશે હું એનો એ જ છું.

Reply

મારિ સૌથી પ્રિય નઝમ.

Reply

પ્રિયતમાની વિદાય પર આથી સુંદર અને હૃદયદ્રાવક બીજું કઈ હોઈ જ ના શકે.
“નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે..”
એક એવું સત્ય જે છે પણ એ સ્વીકારવું ના ગમે….
કેટલાય લોકો ની સ્થિતિ આ શબ્દો મહીં વણી લીધી છે..!!!!
અદભૂત અને આબેહૂબ વર્ણન.

Reply

પ્રણયની પારખું દ્રષ્ટી અગર તમને મળી હોતી
તમે મારી છબી ભીતે નહિ પણ દિલમાં જડી હોતી.

.. પૂરી ગઝલ જોઈએ છે

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.