કરામત કરી છે
અમૃત ઘાયલની એક રચના મનહર ઉધાસના સ્વરમાં.
[આલ્બમ: આવકાર]
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
જીવન જેવું જીવું છું તેવું કાગળ પર ઉતારું છું,
ઉતારું છું પછી થોડું ઘણું તેને મઠારું છું,
ફરક તારા અને મારા વિશે છે એટલો જાહિદ,
વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું.
*
જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ, નવેસરથી એવી મરામત કરી છે;
શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી તમે પણ કહેશો કરામત કરી છે.
ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી, અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;
શરાબીની યૌવનમાં સોબત કરી છે ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.
કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ નથી પાછી પાની કરી કોઈ પંથે;
મહોબત કહો તો મહોબત કરી છે બગાવત કહો તો બગાવત કરી છે.
જુવાનીના દિવસો એ રંગીન રાતો, ખુવારી મહીં એ ખુમારીની વાતો;
સદીઓ અમે બાદશાહી કરી છે હકૂમત વિના પણ હકૂમત કરી છે.
કહો દંભીઓને કે સમજાવે એને, કંઈ બંડ પાછું ન પોકારી બેસે.
કહે છે જવાનોએ ચોંકાવનારી; ફરી એકઠી કંઈ હકીકત કરી છે.
મુબારક તમોને ગુલોની જવાની, અમોને ન તોલો તણખલાની તોલે!
અમે એ જ બુલબુલ છીએ જેમણે આ ચમનની હંમેશા હિફાજત કરી છે.
નથી કોઈ પણ મેળના ભાગ્યે રાખ્યા, રહ્યા છે હવે ભાગ્યમાં માત્ર ફેરા;
અમે એમ ભટકી રહ્યા છીએ જ્યાં-ત્યાં, વતનમાંથી જાણે કે હિજરત કરી છે.
અવર તો અવર પણ કદરદાન મિત્રોય, રાખે છે વર્તાવ એવો અમોથી;
પરાયા વતનમાં અમે આવી જાણે, ફિરંગીની પેઠે વસાહત કરી છે.
પરાયા પસીનાનો પૈસો છે, ‘ઘાયલ’, કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે!
કે દાનેશ્વરીએ સખાવતથી ઝાઝી, ગરીબોની દોલત ઉચાપત કરી છે.
- અમૃત ‘ઘાયલ’
February 4th, 2009 at 12:28 pm
ખુબ સરસ!! વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું.
July 18th, 2009 at 5:57 pm
જુઓ અમે અમારી ભાગ્ય રેખા સરસ ચીતરી છે કે વેદનાઓ કેવી સરસ વિસ્તરી છે.