એ કેવી સજા છે ?

63
આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. આદિ શંકરાચાર્યે કહેલું છે કે મનુષ્ય જન્મ, સંતનો સંગ અને મુમુક્ષત્વ એ ત્રણ સૌથી મોટા ભાગ્ય છે. પરંતુ ઘણે ભાગે જોવા મળે છે કે માણસને કદાચ સંતનો સંગ મળી જાય તો પણ મુમુક્ષત્વની ઈચ્છા જાગતી નથી અને એ સંસારના કાદવમાં રમ્યા કરે છે. એ તરસનું ન જાગવું એ કેવી મોટી સજા છે ? અંતિમ પંક્તિઓમાં એવી જ કોઈ તરસનું ન જાગવું રૂપકો દ્વારા વ્યક્ત થયું છે.

કદી દૂર હોવું, કદી પાસ હોવું, વિરહ ને મિલન તો પ્રણયની મજા છે,
પરંતુ મિલનની પળોમાં તમારું, જરા દૂ…ર હોવું એ કેવી સજા છે ?

તમારાં નયન ને હથેળીની બેડી, ગુનેગારને તો સજાની મજા છે,
ગુનો તો અમારોય કાબિલ છે કિન્તુ સજાનું ન હોવું એ કેવી સજા છે ?

મુહોબ્બતની બેચાર રંગીન વાતો ને શમણાં ભરેલી એ સંગીન રાતો,
જૂદાં તોય થાવું એ સમજી શકું છું, સ્મરણનું ન હોવું એ કેવી સજા છે ?

છલોછલ છલકતી આ રણની જવાની, અગન એમ વરસે કે વર્ષતું પાણી
આ વેરાન રણમાં ઝૂરે કૈંક ઝંઝા, હરણનું ન હોવું એ કેવી સજા છે ?

તેં દીધી ફૂલોને રૂપાળી સુગંધી, પતંગાને પાંખો ને ઉડવાની બંધી,
મહેકને પ્રસારી આ બેઠું કમળ પણ ભ્રમરનું ન હોવું એ કેવી સજા છે ?

ઋતુરાણી વર્ષા ને ઉમટેલાં આભે ઘટાટોપ વાદળનાં કેવાં સમૂહો,
છું ‘ચાતક’ સદીઓથી તોયે જુઓને, તરસનું ન હોવું એ કેવી સજા છે ?

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Responses to “એ કેવી સજા છે ?”

  1. P Shah Says:

    સરસ ગઝલ થઈ છે. આ શેર ખૂબ ગમ્યોઃ
    ઋતુરાણી વર્ષા ને ઉમટેલાં આભે ઘટાટોપ વાદળનાં કેવાં સમૂહો,
    છું ‘ચાતક’ સદીઓથી તોયે જુઓને, તરસનું ન હોવું એ કેવી સજા છે ?

    અભિનંદન !

  2. dilip Says:

    તેં દીધી ફૂલોને રૂપાળી સુગંધી..ભ્રમરનું ન હોવું એ કેવી સજા છે ?

    .. ખુબ સુંદર દક્ષેશ, મનુષ્યત્વ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્રયઃ

  3. pragnaju Says:

    ‘માણસને કદાચ સંતનો સંગ મળી જાય તો પણ મુમુક્ષત્વની ઈચ્છા જાગતી નથી’ સાચી વાત.તેને માટે કૃપા પાત્રતા જોઈએ-જે અંતઃકરણ સાફ કરવાથી આવે…
    તે માટેની આ અભિવ્યક્તી
    છું ‘ચાતક’ સદીઓથી તોયે જુઓને,
    તરસનું ન હોવું એ કેવી સજા છે ?
    સરસ

  4. dr firdosh dekhaiya Says:

    સરળ બાની,લાંબી બહર અને વિચારૌચિત્યના કારણે અત્યુત્તમ રચના.

  5. Rajiv Says:

    મિત્ર દક્ષેશ,

    ખુબ જ સરસ રચના લખી છે… વાચી આનંદ થયો… અભિનંદન…!

  6. Usha Says:

    અતિ ઉત્તમ કૃતિ. મોટા મોટા ગઝલકારોને પણ હલબલાવી દે તેવી રચના. સાચી, સીધી, સરળ, વાત, અન્યને ગળે ઉતારવી સહેલી નથી. પણ દક્ષેશભાઈ, તમે કરી બતાવ્યું. આ સનાતન સત્યને કોઇ સારા ગાયકના સ્વરમાં મઢાવી રજૂ કરવા વિનંતિ. આવી બીજી કૃતિ ક્યારે મળશે? અમને “ચાતક” ની રાહ ના જોવડાવશો.

    ફરીથી અભિનંદન.

  7. Harishchandra Says:

    ચાતકની તરસને વ્યક્ત કરતી ગઝલ ખૂબ ગમી. આવી જ રીતે ગઝલો લખાય તેવી શુભેચ્છા.
    ખૂબ ખૂબ આશીર્વાદ.

Leave a Reply