એનો અલ્લાબેલી
જેના ભાગ્યમાં જે લખાયેલું હોય છે તેને તે મળે છે, એમ આપણે કહેવાતું આવ્યું છે. જો નસીબમાં પ્રિતમના પ્રેમનો ધોધમાર દરિયો હોય તો એવો પ્રેમ રુમઝુમ પગલે આવીને વરસી પડે છે. પરંતુ જો હથેળીમાં ખાલી ઉની રેતી જ લખેલી હોય તો પછી ધોમધખતું રણ આવી મળે છે. એને પછી ઝંખનાઓને વહેતી રાખવાની બાકી રહે છે. જિંદગીની આ અજબ કશ્મકશને ગીતની આખરી પંક્તિઓમાં કેટલી કમનીયતાથી વર્ણવવામાં આવ્યું છે. અદભૂત રૂપકોથી મઘમઘ થતું આ ગીત આજે સાંભળીએ. [આલ્બમ: હસ્તાક્ષર; સ્વર: સૌમિલ મુન્શી]
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.
ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.
કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.
- તુષાર શુકલ
January 6th, 2009 at 11:40 am
વાહ … ખુબ સુંદર ગીત … જે રૂપકો પ્રયોજ્યા છે એનાથી હકીકતનું કેટલું તાદ્રશ ચિત્ર ઉપસ્યું છે !!
January 7th, 2009 at 12:19 am
“કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?” – પ્રારબ્ધના અસ્તિત્વની વાત કેટલી સચોટ રીતે કહી દીધી! – સુંદર – આભાર.