કોણ કરે ?

39

નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાંત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?

વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?

લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?

- સૈફ પાલનપૂરી

3 Responses to “કોણ કરે ?”

  1. Ashwin-Sonal Says:

    વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
    પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

    આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
    એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

    જાણે અનોખી દુનીયામાં વિહરતા હોય તેમ લાગે છે. ધન્ય છે તમારી આ પસંદગીને.

  2. Usha Says:

    A fatastic gazal and superb selection !!!
    A touching thought that speaks the truth of life beautifully.
    Hope to have such more with audios.

  3. Kanchankumari parmar Says:

    મને લાગે છે અહીં સ્વર્ગ અપરંપાર; પછી નહી કહેતા કે સ્વર્ગ છે ક્ષિતિજ ને પાર્…..

Leave a Reply