આંખડી છેડે સરગમ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.
દૃશ્ય સર્જાય મોંઘું મિલનનું અને સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;
દોર ગોઝારો જામે વિરહનો અને રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.
ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી, લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
બુલબુલોએ રચી ગુલશનોમાં અને આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.
બે ધડકતા દિલોની કહાણી બને, રંગ ભીની કરુણાની લ્હાણી બને,
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને, તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.
દેહના કોડિયે, પ્રાણની વાટને, લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મ્હેફિલે, દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.
જન્મ-મૃત્યુ છે, મત્લા ને મક્તા ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય, ગાય છે ‘ શૂન્ય’ ખુદની હજૂરે ગઝલ.
-શૂન્ય પાલનપુરી

July 25th, 2009 at 9:14 pm
ગીત ગઝલ કે હાયકુ કહેયાય કોને તેની મને ખબર નથી પણ મનમાં ઉગેલા આ શબ્દોને પાથરવા પુસ્તકોમાં ગમે છે…….
March 5th, 2011 at 11:59 am
ખુબ સરસ .. ખુબ જ સુંદર શબ્દો છે. આભાર શ્રી શૂન્ય પાલનપુરી…