ગમી નથી

[ જલન માતરી સાહેબની આ રચનાનો એક શેર બહુ જ પ્રસિદ્ધ થયો છે. ઘણાં વરસો પહેલાં મુરારીબાપુની કથામાં એ સાંભળેલો. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર ... એકદમ ઉડીને વળગી જાય તેવો હૃદયસ્પર્શી છે. વળી નદી પર્વતમાંથી નીકળ્યા પછી હંમેશા સાગર તરફ જ જાય છે, કદી પાછી પોતાના પિતૃગૃહે પાછી જતી નથી એ કરુણતાને કવિએ કેવી સહજ રીતે શુકન-અપશુકન પર છોડી દીધી છે. ચાલો માણીએ આખી રચનાને. ]

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

- જલન માતરી

One Response to “ગમી નથી”

  1. અશ્વિન કાકા Says:

    સરસ વાત .. ગમી મને … કીપ ઇટ અ૫

    શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર ?
    કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

Leave a Reply