મેરુ તો ડગે

02
વીજળીના ચમકારે મોતીડા પરોવો - એ એક ભજન દ્વારા ગુજરાતી સંતસાહિત્યના આકાશમાં ચમકારો કરનાર ગંગા સતીના ભજનોથી આપણે અજાણ નથી. આજે ગંગા સતીનું એવું જ એક અન્ય પ્રસિદ્ધ ભજન સાંભળીએ. ઈશ્વરના માર્ગે ચાલવાનો પ્રામાણિક પ્રયત્ન કરનાર અને ચાલીને અનુભૂતિથી સંપન્ન બનનાર વ્યક્તિના લક્ષણો વિશે કેટલી સરળ ભાષામાં ગંગાસતીએ કહ્યું કે જેનું મન સુખ-દુઃખ, પ્રસંશા-નિંદા, સારા-નરસાં કોઈપણ સંજોગોમાં સ્થિર અને સમ રહે તેને ખરો હરિનો જન જાણવો.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. You also need to have JavaScript enabled in your browser.

મેરુ તો ડગે જેનાં મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં; સોઈ હરિજનનાં પ્રમાણજી - મેરુ.

ચિત્તની વૃતિ જેની સદાય નિરમળ ને કોઈની કરે નહિ આશજી;
દાન દેવે પણ રહે અજાસી, રાખે વચનમાં વિશ્વાસ રે જી – મેરુ.

હરખ ને શોકની આવે નહી હેડકી, આઠ પહોર રહે આનંદજી,
નિત્ય રે નાચે સત્સંગમાં ને તોડે માયા કેરા ફંદજી – મેરુ.

તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં, તે નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને આરાધના માંડે તો, અલખ પધારે એને દ્વારજી – મેરુ.

સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે, શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં, જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ.

સંગત કરો તો તમે એવાની કરજો, જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગા સતી એમ બોલિયાં, જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી – મેરુ.

- ગંગા સતી

2 Responses to “મેરુ તો ડગે”

  1. Raju Says:

    ધન્યવાદ! આ પદ સાંભળવાનું મને છેલ્લા બે દિવસથી મન થતું હતું, કોઈ પણ કારણ વિના, અને આજે મને મળી ગયુ!!!

  2. manvant patel Says:

    આપના સર્વે પ્રયત્નો સફળ થાઓ …….એ પ્રભુને પ્રાર્થના !

Leave a Reply