સ્વ. રાવજી પટેલ
[ આજે પંદરમી નવેમ્બર, સ્વ. રાવજી પટેલનો જન્મદિવસ. ગુજરાતી સાહિત્યને 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' જેવી અમર કૃતિ આપી જનાર ગુર્જરી સાહિત્યનો સુમધુર ટહુકો જે માત્ર ૨૮ વર્ષ ૯ માસની વયે નિઃશબ્દ થયો. તો આજે રાવજી પટેલના જીવન અને કવન વિશે જાણીએ. આ લેખ મોકલવા બદલ શ્રી રઘુભાઈનો હૃદયપૂર્વક આભાર.]
ડાકોરથી એક કાચી સડક જાય છે વલ્લવપુરા. એ નાનું સરખું ગામ એટલે રાવજી પટેલનું વતન. રાવજી એટલે વેદનાને હૈયામાં દાટીને જીવતો માણસ. ક્ષયથી પીડાતું શરીર, ધરીને બેસી ગયેલી ગરીબી, દાંપત્યમાં ઓછો મનમેળ. વ્યર્થ નીવડેલા સંબંધોના ત્રાસદાયક જીવનથી રાવજી કંટાળી ગયેલો. એ કહેતો, ‘મને સ્થિતિ ખોદે છે’ અને ‘એક નહીં પણ એકસામટા હજારો શાપ મળ્યા’. આદિએ ખડા કરેલા બળબળતા રણમાં રાવજી નામના માણસને કવિતા જ વીરડો થઈ શકે અને કવિતાને કારણે નિસાસા આસોપાલવ થાય. રણમાં છાંયો થાય, સૂની આંખોમાં માળા બંધાય. અને એથી જ એ કવિતા લખતો રહ્યો …
હું તો માત્ર કવિ
હું તો માત્ર ઓરડામાં સબડતું આદિ મમી
હું તો માત્ર ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ…
હું તો માત્ર ખાલીખમ નિઃસહાય …
પછી તો કુમાર, સંસ્કૃતિ, કવિલોક વગેરેમાં રાવજી શબ્દથી દેખાવા લાગ્યો, વેદનાથી ઓળખાવા લાગ્યો. અને એવામાં જ પોતાનાથી છુપાવી રહ્યો હતો એ તબિયતની વાત જાહેર થઈ ગઈ. પહેલા મળ્યા એ ડૉક્ટરે તપાસ કરીને સહેજે સંકોચ વિના કહી દીધું, છ માસ જીવશો. રાવજીથી એ માની શકાય એમ ન હતું. હજુ તો કેટલાંય સ્વપ્ન જીવતાં કરવાનાં હતાં. એ પહેલાં કેવી રીતે મરાય ? એટલે થોડું જીવી લેવા આણંદના ક્ષય ચિકિત્સાલયમાં દાખલ થયો. બહાર આવી ‘અશ્રુધર’ લખી. સારો આવકાર મળ્યો. પછી લખી ‘ઝંઝા’. વિવેચકોએ રાવજીમાં પન્નાલાલને જોયો. ક્ષયથી માંડીને શબ્દોની અભિવ્યક્તિમાં રાવજી અને પન્નાલાલ એક ચાસમાં ચાલ્યા છે. બંનેએ પોતાની રચનાઓમાં ગામડાંઓને જીવતાં રાખ્યાં છે.
રાવજીની રચનાઓમાં ક્યારેક તેનું ક્ષયથી આવેલું રુગ્ણ, કૃષિપણું અને મૃત્યુ અંગેનું સતત સભાનપણું એકસાથે વર્તાઈ જતું જોવા મળે છે. તેમ છતાં વાચકને સ્પર્શ કર્યા વિના રાવજી ક્યારેય સરકી ગયો નથી. ‘મને સ્થિતિ ખોદે છે’ ત્યારે કેવળ રાવજી જ ખોદાતો નથી, રાવજીએ શબ્દ દ્વારા ઊભી કરેલી સ્થિતિ આપણનેય ખોદે છે.
દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ ગમતું નથી,
મને કોઈ રાવજીથી ઓળખે એય હવે ગમતું નથી …
પણ રાવજી ઓળખાયો ત્યારે અદ્યતન કવિતાનો બીજો તબક્કો આરંભાઈ રહ્યો હતો. રાવજીએ તેમાં પોતાનો ચીલો પાડ્યો. પોતાના અંગતપણાના ચાસ પાડ્યા અને અંકુર ફૂટ્યાં. શબ્દને સ્પર્શમાત્રથી બેઠારી દેવાની રાવજીમાં ગજબની શક્તિ હતી. શબ્દ દ્વારા રાવજી વ્યક્ત થવા માંડે ત્યારે એક પ્રકારની જબરદસ્ત બેપરવાહી તેમાં વહેતી જોવા મળે છે. એને ઘાસ અને ધરતીની માયા હતી. એકાંત એને કઠતું હતું. ગીધ જેવા મૃત્યુના ઓછાયામાંથી બહાર ધસી આવવા એ મથતો હતો …
વાગે વહાણટાની વાતો, ખરતું પાન આંખનું વાગે
વાગે કન્યાની પીઠનો પીળો પડછાયો
હરતો ફરતો હજી અમે ના દીઠો આંબો …
થોડાં પાન લખ્યાં હશે ત્યાં એક સાંજે તેના ગળફામાંથી લોહી પડ્યું. ફરી થોડું જીવી લેવા અમરગઢના ક્ષય ચિકિત્સાલયમાં દાખલ થયો. ત્યાં ક્ષયની સાથે માનસિક અસ્થિરતા ઉમેરાઈ, કપડાં વિના વોર્ડમાં દોડતો, પાણી આપનાર પર કોગળા કરી થૂંકતો, આખી રાત જાગી મોત વિશે લખ્યો કરતો …. “મને એમ થયું કે હું મરી ગયો છું અને મને બાળી નાખે છે. બળી ગયા પછી તો જગત સાથેના બધા સંબંધ કપાઈ જાય છે. હું હું નથી રહેતો, તમે તમે નથી રહેતા..”
અડધા ગાંડા જેવા રાવજીને વલ્લવપુરા લાવ્યા. ત્યાં ડાયાબીટીસ અને પુરેમિયાનો હુમલો થયો. પાંચ દિવસ બેભાન રહ્યો અને એક સવારે ….
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. You also need to have JavaScript enabled in your browser.
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …
મારી વેલ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ .. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
સજીવી હળવાશ એને વાગી ગઈ. જીવનની ઉષામાં સૂરજ આથમી ગયો. ‘વૃત્તિ’ ને અધૂરી રાખી રાવજી ધરતીમાં ભળી ગયો. લાભશંકર ઠાકરે લખ્યું, એ ઘણા સમયથી મૃત્યુ પામ્યો હતો. અને મૃત્યુની સોડમાં બેસીને કાવ્યો અને વાર્તાઓ લખતો હતો. એનું મૃત્યુ એ આશ્ચર્યની બાબત નથી, એ છૂટ્યો એનું આશ્વાસન પણ નથી. પરિસ્થિતિએ એને જીવનના છેક તળિયે મૂકી દીધો હતો અને ગૂંગળાતો એ લખતો હતો …
મારા ખેતરને શેઢેથી લ્યો ઉડી ગઈ સારસી
મા, ઢોચકીમાં છાસ પાછી રેડી દે
રોટલાને બાંધી દે,
આ ચલમની તમાકુમાં કસ નથી,
ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગની
મને મહુડીની છાંય તળે પડી રહેવા દે ..
હજી પણ રાવજી પડ્યો છે એ મહુડીની તળે, એના વલ્લવપુરાના ખેતરમાં એકલો અટૂલો વેદનાને હૈયામાં ધરબીને કવિતા ગાતો.
અમે રે અધવચ રણનાં વીરડાં
થોડાં ખારાં રે છઈએ, ખાટાં રે છઈએ,
પગલું પડે ને વ્હેતાં રે થઈએ… અમે રે અધવચ રણનાં વીરડાં
- શ્રી રઘુભાઈ જોશી (ડાકોર, હાલ વિદ્યાનગર)
November 15th, 2008 at 12:32 pm
You are too good. Ravjibhai is touching everybodys heart. thanks.
November 15th, 2008 at 10:30 pm
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …
મારી વેલ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ .. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
વારંવાર માણતા—તેના કવિ વિષે જાણી ઘણું દુખ થયું
November 17th, 2008 at 5:11 am
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …
મારી વેલ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ .. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
વારંવાર માણવા જેવું આ મારું ઘણું પ્રિય ગીત સાંભળી ખુબ આનંદ થયો, પણ સાથે જ તેના કવિ વિષે જાણી ઘણું દુખ થયું.