પાર જઈએ

90.jpg
આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. થોડા દિવસો પહેલાં ભારતે ચંદ્રયાનનું સફળ પ્રક્ષેપણ કર્યું અને 2015 સુધીમાં ચંદ્ર પર માનવી ઉતારવાનું ભારતનું સ્વપ્ન છે. એ હકીકત બને ત્યારની વાત ત્યારે. પણ કલમના માધ્યમથી તો સૂરજ અને ચાંદની પારના પ્રદેશમાં અવશ્ય જઈ શકાય. એના પર ક્યાં પાબંદી છે…  માનવ તરીકે આપણે ક્યાં જવાનું છે ? આપણે તો આપણા અહંના કોચલાને તોડી એકમેકના હૃદય સુધી પહોંચવાનું છે. પૂર્વગ્રહોની પાર જવાનું છે, એ જ સર્જનનો ધ્વનિ છે.

સૂરજ જઈએ, ચાંદ જઈએ, નભની પેલી પાર જઈએ
ચરણ મળે જો ચાલવા તો ઈન્દ્રધનુને ઢાળ જઈએ.

મહાનતાના માપદંડને ફેલાવ્યો જઈ આકાશે
અચળ મેરુના ભેરુ થઈને એવરેસ્ટની પાર જઈએ.

ધન્ય ભૂમિ એ વૃંદાવનની, ધન્ય યમુના નીર વળી,
વ્હેતા વેણુના સ્વર જ્યાં એ કદંબ કેરી ડાળ થઈએ.

ધર્મસભા જ્યાં યુધિષ્ઠિરની, ટેક પિતામહ ભીષ્મ તણી,
દાનવીર જ્યાં કર્ણ વસે એ મહાભારતને દ્વાર જઈએ.

શીત સમંદર, વિપુલ વારિ, ખારાશ તોય રહી સારી ?
પૂર્વગ્રહોનાં છીપલાં તોડી મોતી થઈને બ્હાર જઈએ.

ચાર દિવસની જિંદગાનીમાં ભુલભૂલામણી છે ભારી
રક્ત, ત્વચા ને માંસપેશીને ભેદી ભવની પાર જઈએ.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Responses to “પાર જઈએ”

  1. Dr.Hitesh CHauhan Says:

    સાવ સાચી વાત.. ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે ને કે હું માનવી માનવ થાઉં ને તોય ઘણું.

  2. Upasana Says:

    વાહ! ચાતક. સમગ્ર વેદોનો સાર સમાવી લીધો.
    ચાલો - ભવની પાર જઈએ! ધન્યવાદ.

  3. Raju Says:

    પૂર્વગ્રહોનાં છીપલાં તોડી મોતી થઈને બ્હાર જઈએ - મોતી થવાની વાત ખૂબ ગમી. આશા રાખુ કે આ નવા વરસે છીપલામાંથી બહાર આવુ!

  4. Pravin Shah Says:

    સૂરજ જઈએ, ચાંદ જઈએ, નભની પેલી પાર જઈએ
    ચરણ મળે જો ચાલવા તો ઈન્દ્રધનુને ઢાળ જઈએ.

    મને તો આ જ પંક્તિ ખૂબ ગમી.
    રોજેરોજ મમળાવવાનું મન થાય એવી છે.
    ધન્યવાદ !
    આવા જ સુંદર ગીતો આપતા રહેશો.

  5. Dr Bipin Contractor Says:

    ચાર દિવસની જિંદગાનીમાં ભુલભુલામણી છે ભારી
    રક્ત, ત્વચા ને માંસપેશીને ભેદી ભવની પાર જઈએ.
    વાહ! દક્ષેશ, ખૂબ સુંદર રચના! અભિનંદન!
    -ડૉ. બિપિન કૉન્ટ્રાકટર

  6. Atul Says:

    ચાર દિવસની બાજી જીવન, ચાર દિવસની બાજી;
    ધર્મ વળી શુભ કર્મ કરી લે, જીવન ચાર દિવસની બાજી…

  7. Ami Says:

    વેળા વીતી જાય તારી વેળા વીતી જાય,
    વીતે તે પહેલા ચેતી જા જોજે મોડુ થાય…

Leave a Reply