ઉમર ખૈયામની રુબાઈઓ – 3

ઉમર ખૈયામની રુબાઈઓ મને ખુબ જ ગમે છે. આ અગાઉ આપણે એનો આસ્વાદ માણી ચૂક્યા છીએ. આજે માણો વધુ કેટલીક રુબાઈઓ. અર્થથી સભર અને ગહનતમ વાતોને સરળતાથી રજૂ કરતી આ રુબાઈઓ વારંવાર મમળાવવી ગમે એવી છે. આપણું સદભાગ્ય છે કે ગુજરાતી સાહિત્યમાં એનું નવસર્જન કરી શૂન્ય પાલનપુરીએ એને પ્રસ્તુત કરી. આ અગાઉ રજૂ થયેલ રુબાઈઓ વાંચવા અહીં જુઓ. રુબાઈઓ-1, રુબાઈઓ-2.

દિન ગયો વીતી હવે એની નકામી યાદ કાં ?
જે નથી આવી હજી એ કાલની ફરિયાદ કાં ?
આમ ના એળે જવા દે ખાસ ઘડીઓ આજની,
સાર છોડીને અસારે થાય છે બરબાદ કાં ?
*
મૂર્ખ, અંજલની ફિકર શી ? એ ફિકરથી મુક્ત થા,
કષ્ટદાયી હોય એવા જીવતરથી મુક્ત થા;
બેસ કેવળ જ્ઞાનીઓના સંગમાં તું રાત દિન,
પી સુરા, કલ્લોલ કર, ગમની અસરથી મુક્ત થા.
*
મોત એક જ વાર છે, જીવનમાં એક જ વાર મર,
નિત નવી લાચારીઓ વહોરે છે શીદ ઓ બેખબર ?
આ રુધિર, આ માંસ, આ મળમૂત્ર, મુઠ્ઠી હાડકાં !
છે બધુંયે તુચ્છ ! એની હોય કૈં આવી ફિકર ?
*
માત્ર અડધા રોટલા પર જે ગુજારે દિન તમામ,
જેને બે ગજથી વધારે હોય ના ધરતીનું કામ;
આ જગતમાં કોઇનો જે દાસ કે સ્વામી ન હો,
એ મહા-નરના જીવન-આદર્શને સો સો સલામ.
*
એક રોટી બે દિને મળતી રહો જો આમરણ,
ઠારવાને પ્યાસ વહેતું હો સદા નિર્મળ ઝરણ;
તો પછી ઓ મૂર્ખ ! શાને જીહજૂરી કોઇની ?
ચાંપવા શાને પડે પામર મનુજોનાં ચરણ ?

– ઉમર ખૈયામ (અનુવાદ: શૂન્ય પાલનપુરી)

COMMENTS (3)
Reply

વાહ! બહોત ખૂબ્! ઘણા સમય પછી માણવા મળેલો આ આસવ મન- અંતરને શાતાની અનૂભૂતિ કરાવી ગયો! ખૂબ ધન્યવાદ!

Reply

ગુઢ વાતો સહજતાથી અનુભૂતિ કરાવતા શેરો

Reply

મોત એક જ વાર છે, જીવનમાં એક જ વાર મર,
નિત નવી લાચારીઓ વહોરે છે શીદ ઓ બેખબર ?
આ રુધિર, આ માંસ, આ મળમૂત્ર, મુઠ્ઠી હાડકાં !
છે બધુંયે તુચ્છ ! એની હોય કૈં આવી ફિકર ?

માત્ર અડધા રોટલા પર જે ગુજારે દિન તમામ,
જેને બે ગજથી વધારે હોય ના ધરતીનું કામ;
આ જગતમાં કોઇનો જે દાસ કે સ્વામી ન હો,
એ મહા-નરના જીવન-આદર્શને સો સો સલામ.

શેર ના શેરોને સલામ. પણ આ વાસ્તવિકતાનો કોઇ સ્વીકાર કરી શકતું નથી. અનુભૂતિ થાય પણ અમલ કરવાનું મુશ્કેલ છે ! ઈચ્છા ન હોય તો પણ ચાંપવા પડે છે પામર મનુજોનાં ચરણ !

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.