તો લાગી આવે

આજે મારી એક સ્વરચિત કૃતિ રજુ કરું છું. સ્વાતિ નક્ષત્રમાં વરસતા જળને જ ગ્રહણ કરનાર ચાતક તરસનો માર્યો પ્રાણ છોડી દે અને એ કોઈ પાણી ભરેલ ખાબોચિયા કે તળાવમાં જઈ પડે, તો એને જોનારને એમ જ લાગે કે આ પાણીમાં ડૂબીને મરી ગયો હશે. જોનારને ક્યાંથી ખ્યાલ આવે કે એણે તો પોતાની જીવનભરની ટેકને જાળવી રાખવા પ્રાણોની આહૂતિ આપી છે! આ સંવેદનમાંથી આ કૃતિની રચના થઈ.

ઝરણાંને જો મૃગજળ કહો … તો લાગી આવે
ઈન્દ્રધનુષ આભાસી કહો … તો લાગી આવે

પગલું પગલું સાથે ભરતા,
શ્વાસોશ્વાસે સાથ પમરતા,
સંગાથીને શમણું કહો … તો લાગી આવે

મધુમય મધની આશ લઈને,
પ્રેમપતંગની પાંખ લઈને,
પુષ્પે પુષ્પે ચુંબન કરતા,
કમળદલમાં કેદ બનેલા,
ભમરાને જો મજનૂ કહો … તો લાગી આવે.

સૂક્કા ડાળે કૂંપળ થઈને,
નીર્ઝરમાં નવચેતન થઈને,
જાગોની આહેલક કરતા,
અંગેઅંગ અનંગ ભરેલા
વસંતને વૈરાગી કહો … તો લાગી આવે

યુગોયુગોની પ્યાસ લઈને
સ્વાતિબિંદુની આશ લઈને
તૃષાર્ત થઈને વિરહે ઝૂરતા,
પ્રાણ જવાથી ભંવર પડેલા
ચાતકને જળડૂબ્યો કહો … તો લાગી આવે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (6)
Reply

ચાતકનું આ ગીત ખુબ જ પસંદ પડ્યું. શબ્દોની પસંદગી ખુબ સરસ રીતે કરી. આશિર્વાદ.

Reply

યુગોયુગોની પ્યાસ લઈને
સ્વાતિબિંદુની આશ લઈને
તૃષાર્ત થઈને વિરહે ઝૂરતાં,
પ્રાણ જવાથી ભંવર પડેલાં
ચાતકને જળડૂબ્યો કહો … તો લાગી આવે.
ખૂબ સરસ
યાદ આવી
તમે હોવ મુશ્તાક તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે,
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.
પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.

થોડી વ્યસ્તતા બાદ ઘણા દિવસે મુલાકાત લીધી.. સુંદર રચના છે. રચનાનો હાર્દ સાચે જ લાગી આવ્યો.

Reply

ભાઈ ચાતક, તમે બહુ સરસ રચના આપો છો પણ થોડી વ્યસ્તતાના કારણે પ્રતીભાવ મોડો આપી શક્યો તો દરગુજર કરશો. આને ના માણીએ તો દોષ અમારો છે. કીપ ઇટ અપ. બહુ સરસ.

Reply

mind blowing… very good daxeshbhai.
your website shows the love for the language you have and you express our language very well. you really have very good command over language. well done. keep it up. so pleased to see aunty and bhabhi after so long.
take care.
kirtida

Reply

સ્પંદનોના ખેતર તો આપણે સાથે જ ખેડ્યા અને સાથે જ વાવ્યા, હવે ઉભેલા મોલ કોઇ બીજાજ લઈ જાય તો પછી લાગી આવે……

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.